ઓડિશાના સુંદરગઢ જિલ્લાની સરકારી સહાય મેળવી એક હાઇસ્કૂલના 53 વિદ્યાર્થીઓ અને સંબલપુર જિલ્લાની એક મેડિકલ કોલેજના 22 MBBS સ્ટુડન્ટ કોરોના પોઝિટિવ આવતા હડકંપ મચી ગયો હતો. આ તમામ પોઝિટિવ કેસો છેલ્લાં ત્રણ દિવસમાં નોંધાયા છે. આ મેડિકલ કોલેજનું નામ વીર સુરેન્દ્ર સાંઇ ઇન્સ્ટીટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ એન્ડ રિસર્સ (VIMSAR), બુર્લા છે, એમ સ્થાનિક આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું.

ઓડિશામાં 70 બાળકો સહિત 212 લોકો કોરોના પોઝિટિવ આવતા કોરોના કેસનો કુલ આંકડો વધીને 10.47 લાખ થયો હતો. બે વ્યક્તિના મોત સાથે કુલ મૃત્યુઆંક વધીને 8,396 થયો હતો.

સેન્ટ મેરી ગર્લ્સ સ્કૂલના પ્રિન્સિપાલ સિસ્ટર પેટ્રીકાએ જણાવ્યું હતું કે આ વિદ્યાર્થિઓને અલગ કરવામાં આવ્યા છે અને તેમની સારવાર માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. તેમની તબિયત સામાન્ય છે. સ્કૂલને એક સપ્તાહ માટે બંધ કરવામાં આવી છે. કોરોના પોઝિટિવ આવ્યા છે તે વિદ્યાર્થીઓ ધોરણ 8,9 અને 10માં અભ્યાસ કરે છે. આ વિદ્યાર્થીઓમાંથી મોટાભાગનાને શરદી અને ખાંસીના લક્ષણો હતા. તે પછી તેમનો કોરાના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. આ અંગે જિલ્લા વહીવટીતંત્ર અને આરોગ્ય અધિકારીઓને માહિતી આપવામાં આવી છે.

બીજી તરફ એમબીબીએસના 22 વિદ્યાર્થીઓને કોરોના હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મેડિકલ કોલેજના વાર્ષિક સમારંભને કારણે કોરોના ફેલાયો હોવાની આશંકા છે. સોમવારે આ વિદ્યાર્થીઓના એન્ટિજેન ટેસ્ટ કરવામાં આવ્યા હતા અને તેમાં પોઝિટિવ આવ્યા હતા. મેડિકલ કોલેજે હાલની સ્થિતિની સમીક્ષા કરવા માટે એક બેઠક બોલવી છે.