વિશ્વની ચોથા ક્રમની સૌથી મોટી સોફ્ટવેર કંપની ઓરેકલના સહ-સ્થાપક લેરી એલિસન સત્તાવાર રીતે ટેસ્લાના સીઈઓ ઇલોન મસ્કને પાછળ છોડીને 2025માં વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ બન્યા હતાં. એલિસનની કુલ સંપત્તિમાં એક જ દિવસમાં અસાધારણ $101 બિલિયનનો વધારો થયો છે, જે બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઇન્ડેક્સમાં નોંધાયેલો સૌથી મોટો એક દિવસીય સંપત્તિ વધારો છે.
81 વર્ષના એલિસનની જંગી સંપત્તિ હવે $393 બિલિયન છે. આ નાટકીય પરિવર્તન ઓરેકલના રેકોર્ડ-બ્રેકિંગ રિઝલ્ટના અહેવાલને કારણે આવ્યું હતું, જેના કારણે કંપનીના શેરના ભાવ અભૂતપૂર્વ ઊંચાઈએ પહોંચ્યા હતાં. બ્લૂમબર્ગના અબજોપતિ ઇન્ડેક્સ મુજબ ઇલોન મસ્કની સંપત્તિ 385 અબજ ડોલર છે એટલે કે લેરી મસ્કથી 10 અબજ ડોલર વધુ સંપત્તિ ધરાવતા થઇ ગયા છે.
ઇલોન મસ્ક વર્ષ 2021માં પ્રથમ વખત વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ બન્યા હતા. તેઓ લગભગ એક વર્ષ સુધી આ સ્થાન પર રહ્યા હતાં. ફોર્બ્સની રિયલ-ટાઇમ બિલેનિયર રેકિંગ મુજબ બુધવારે જ એલિસનની સંપત્તિમાં મોટો ઉછાળો આવ્યો હતો, જે પાછળનું કારણ તેમની કંપની ઓરેકલના શેરમાં ઉછાળો હતો. બુધવાર, 10 સપ્ટેમ્બરે ઓરેકલના શેર 41 ટકા ઉછળ્યા હતાં. જે વર્ષ 1992 બાદથી સૌથી મોટો ઉછાળો હતો.
