પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મોરેશિયસના પ્રધાનમંત્રી નવીન રામગુલામ, ગુરુવારે વારાણસીમાં એક સંયુક્ત મીડિયા નિવેદન દરમિયાન. (@MEAIndiaX/ANI Photo)

ભારતની મુલાકાતે આવેલા મોરિશિયસના વડાપ્રધાન ડો. નવીનચંદ્ર રામગુલામ સાથે કાશીમાં બેઠક પછી વડાપ્રધા નરેન્દ્ર મોદીએ જાહેરાત કરી હતી કે ભારત અને મોરિશિયસ ટૂંકસમયમાં સ્થાનિક ચલણમાં વેપાર કરી શકશે. બંને દેશો વચ્ચે આર્થિક અને નાણાકીય સંબંધોને વધુ ગાઢ બનાવતા આ પગલું લેવામાં આવ્યું છે.

બંને દેશો વચ્ચે વારાણસીમાં પ્રતિનિધિમંડળ સ્તરની બેઠક થઈ હતી. જેમાં બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય સંબંધો મામલે વિવિધ ચર્ચા થઈ હતી. બંને દેશોએ પોતાના સ્થાનિક ચલણમાં વેપારને મંજૂરી આપવા સહમતિ દર્શાવી હતી. બંને દેશોના વડાએ ચાગોસ કરાર સંપન્ન થવા પર શુભકામના પાઠવી હતી.

અગાઉ મોરિશિયસ વડાપ્રધાન નવિનચંદ્ર રામગુલામનું વારાણસીમાં તેમનું ભવ્ય સ્વાગત થયુ હતું. વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે, ગત વર્ષે મોરિશિયસમાં યુપીઆઈ અને રૂપે કાર્ડ સર્વિસ શરૂ કર્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. હવે બંને દેશોના નાગરિકો અને વેપારીઓ સરળતાથી સ્થાનિક ચલણમાં જ ટ્રાન્ઝેક્શન કરી શકશે.

બંને દેશો વચ્ચે એનર્જી ટ્રાન્ઝિશન પાર્ટનરશીપ પણ છે. ભારત મોરિશિયસને 100 ઈલેક્ટ્રિક બસ ફાળવવાનું છે. જેમાંથી 10 બસનો સપ્લાય થઈ ચૂક્યો છે. વડાપ્રધાન મોદીએ ટમરિન્ડ ફોલ્સ ખાતે 17.5 મેગાવોટ ફ્લોટિંગ સોલાર પાવર પ્લાન્ટ સ્થાપિત કરવા આર્થિક સહાય આપવાની ખાતરી પણ આપી છે.

LEAVE A REPLY