(PTI Photo)

ભારતીય મૂળની વિદ્યાર્થિની જહાન્વી કંડુલા મૃત્યુ કેસમાં ન્યાયની માગણી સાથે સીએટલમાં સાઉથ એશિયન સમુદાયના સભ્યો તાજેતરમાં શહેરના મેયર અને ઉચ્ચ અધિકારીઓને મળ્યા હતા અને તેમણે જ્યાં જહાન્વીનું પોલીસ પેટ્રોલિંગ દરમિયાન આકસ્મિક મૃત્યુ થયું હતું તે સ્થળે એક રેલી પણ યોજી હતી. 23 વર્ષીય જહાન્વી કંડુલા, 23 જાન્યુઆરીના રોજ જ્યારે રસ્તો પાર કરી રહી હતી ત્યારે અધિકારી કેવિન ડેવ દ્વારા ચલિત પોલીસ વાહને તેને ટક્કર મારી હતી. અધિકારી ડ્રગ ઓવરડોઝના કેસ માટે તે રસ્તા પરથી કલાકના 74 માઇલની ઝડપે પસાર થઇ રહ્યા હતા ત્યારે આ ઘટના બની હતી. સીએટલ પોલીસ ડીપાર્ટમેન્ટે તાજેતરમાં જાહેર કરેલા બોડીકેમ ફૂટેજમાં, અધિકારી ડેનિયલ ઔડરરે જીવલેણ અકસ્માત અંગે મજાક કરી હતી અને ડેવની ભૂલ હોઈ શકે છે અથવા તેની ગુનાઇત તપાસ જરૂરી હતી તે મુદ્દો ફગાવ્યો હતો.

શનિવારે, સીએટલમાં સાઉથ એશિયન સમુદાયના અગ્રણીઓ અને સંગઠનો મેયર બ્રુસ હેરેલ, પોલીસ વડા એડ્રિયન ડાયઝ અને શહેરના અન્ય આગેવાનોને મળ્યા હતા. કોમો ટીવીના એક રીપોર્ટમાં મેયર હેરેલે જણાવ્યું હતું કે, “શહેરમાં અસરકારક જાહેર સલામતી સ્થાનિક વહીવટી તંત્ર અને સમુદાયો વચ્ચેના પરસ્પર વિશ્વાસ પર નિર્માણ પામે છે. જ્યારે તે વિશ્વાસનો ભંગ થાય છે, ત્યારે તેને ફરીથી સ્થાપિત કરવાની અને તેનું ફરીથી નિર્માણ કરવા માટે જરૂરી કાર્ય કરવાની જવાબદારી શહેરની છે.”

સમુદાયના અગ્રણીઓએ જણાવ્યું હતું કે, મેયર હેરેલના અત્યાર સુધીના નિવેદનો કે ગુનાઇત ટીપ્પણીઓ અલગ પ્રકારની ઘટના રજૂ કરે છે, તે વ્યવસ્થા અને પોલીસની કામગીરી માટે પર્યાપ્ત નથી. હેરેલે વધુમાં કહ્યું હતું કે, “અમે આ ખોટ માટે અમારી ખૂબ જ સંવેદના વ્યક્ત કરવા ઇચ્છીએ છીએ. આ અંગે જે ઘણી ટીપ્પણીઓ કરવામાં આવી છે તે સહાનુભૂતિ અને સંવેદના પ્રતિબિંબિત કરતી નથી.”

“હું અને અમારા પોલીસ વડા, એડ્રિયન ડાયઝ ભારતીય સમુદાય સાથે જ છીએ. આ પ્રદેશના ભારતીય સમુદાયના લોકો કમનસીબ અને અસંવેદનશીલ ટીપ્પણીઓ બાબતે એકત્ર થઇને આવ્યા છે, અને અમે માનીએ છીએ કે તેવી ટીપ્પણીઓ કરવામાં આવી હતી. શહેરના અધિકારી તરીકે તમારા સમુદાય અને તમારા પરિવારની માફી માગુ છું.”
પોલીસ વડા ડાયઝે વધુમાં ઉમેર્યું હતું કે, “મેં તેમના ભાઇ તથા અન્ય પરિવારજનો સાથે વાત કરી હતી. અમે અહીં હોવાથી તમને સતત સાંભળી રહ્યા છીએ. અમે તમારી સાથે જ છીએ. તમે જે સ્થિતિ અનુભવી છે તે અમે જાણીએ છીએ. અમે આપણા માનવજીવનનું મૂલ્ય સમજીએ છીએ.”

સીએટલમાં અકસ્માતના સ્થળ-ડેની પાર્ક ખાતે શનિવારે સ્થાનિક સાઉથ એશિયન સમુદાયના 100થી વધુ સભ્યો એકત્ર થયા હતા. તેમણે જ્હાન્વીની તરફેણ અને પોલીસ અધિકારી અને ડીપાર્ટમેન્ટની વિરુધ્ધમાં સૂત્રોચ્ચાર કર્યો હતો. આ રેલીનું આયોજન ઉત્સવ સંગઠન દ્વારા કરવામાં આવ્યું હતું, જે સાઉથ એશિયન્સને તેમના સમુદાય સાથે જોડવામાં મદદ કરે છે.

સંગઠનના સ્ટેટ રીપ્રેઝન્ટેટિવ વંદના સ્લેટરે જણાવ્યું હતું કે, આ ઘટનામાં યુવતીના જીવન અંગે સહાનુભૂતિ વગરની ગુનાઇત ટીપ્પણીઓથી સાઉથ એશિયન સમુદાય દુઃખી છે. સીએટલમાં નોર્થઇસ્ટર્ન યુનિવર્સિટીમાંથી આ વર્ષે ડિસેમ્બરમાં જહાન્વી કંડુલા ઇન્ફર્મેશન સીસ્ટમ્સમાં તેની માસ્ટર ડિગ્રી મેળવવાની હતી. તેના પરિવારજનોએ કહ્યું હતું કે, તે ભારતમાં તેની માતાને મદદ કરવા કામ કરતી હતી.

જ્હાન્વીના મૃત્યુથી વ્યથિત થયેલા નોર્થઇસ્ટર્ન યુનિવર્સિટીના ચાન્સેલર કેનેથ ડબલ્યુ. હેન્ડરસને યુનિવર્સિટીના અધિકૃત ફેસબુક પેજ પર એક નિવેદનમાં જણાવ્યું હતું કે, યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ, કર્મચારીઓ અને ફેકલ્ટીને જ્હાન્વીની ખૂબ જ ખોટ જણાશે. યુનિવર્સિટી તેના પરિજનોને જ્હાન્વીની મરણોત્તર ડિગ્રી આપવાનું વિચારે છે. ઉત્સવના સ્થાપક અરુણ શર્માએ જણાવ્યું હતું કે, પોલીસ ડીપાર્ટમેન્ટ ઔડરર અને ડેવ વિરુદ્ધ કોઇ પગલાં નહીં ભરે તો સંગઠન કાર્યવાહી કરવા અંગે વિચારશે. ભારતે આ કેસ બાબતે અમેરિકન સરકાર અને વોશિંગ્ટન સ્ટેટના સ્થાનિક અધિકારીઓ સાથે ચર્ચા કરી છે.

LEAVE A REPLY

fifteen − 13 =