ઓક્સફેમ ઇન્ડિયાએ જણાવ્યું હતું કે વિદેશી યોગદાન નિયમન ધારા (FCRA) હેઠળ રજિસ્ટ્રેશનને રિન્યૂ ન કરવાના સરકારના નિર્ણયથી ભારતના 16 રાજ્યોમાં સંગઠનના મહત્ત્વના માનવતાવાદી અને સામાજિક કાર્યોને ગંભીર અસર થશે. સરકારના નિર્ણયથી કોરોના મહામારી દરમિયાન સૌથી વધુ વંચિત સમુદાય માટે ઓક્સિજન પ્લાન્ટની સ્થાપના, ઓક્સિજન સિલિન્ડર્સ અને વેન્ટિલેટર્સ જેવા લાઇફ સેવિંગ મેડિકલ અને ડાયગ્નોસ્ટિક ઇક્વિપમેન્ટના સપ્લાય અને અનાજના સપ્લાયને અસર થશે, એમ ઓક્સફેમે એક નિવેદનમાં જણાવ્યું હતું.

ભારતના ગૃહ મંત્રાલયે જારી કરેલી યાદી મુજબ ઓક્સફેમ ઇન્ડિયાના FCRA લાઇસન્સના રિન્યૂની અરજી નકારી કાઢવામાં આવી છે. આનો અર્થ એવો થાય છે કે આ ઓર્ગેનાઇઝેશન પહેલી જાન્યુઆરી 2020થી ભારતમાં તેના સેવાકાર્યો માટે વિદેશી ફંડ્સ મેળવી શકશે નહીં. ઓક્સફેમ ઇન્ડિયા ટ્રસ્ટ, જામિયા મિલિયા ઇસ્લામિયા અને ટબરક્યુલોસિસ એસોસિયેશન ઓફ ઇન્ડિયા સહિતના અગ્રણી એનજીઓ માટેના વિદેશી ફંડ્સ મેળવવા માટેના લાઇસન્સ શનિવારે રદ થયા છે. ઓક્સફેમ ઇન્ડિયાના સીઇઓ અમિતાભ બહેરે જણાવ્યું હતું કે ઓક્સફેમ ઇન્ડિયા દાયકાઓથી ભારતમાં સરકાર, સમુદાયો અને ફ્રન્ટલાઇન વર્કર્સ સાથે મળીને જાહેર હિતમાં કાર્યો કરે છે.