(Photo by Christopher Furlong/Getty Images)

ઓક્સફર્ડ એસ્ટ્રાઝેનેકા દ્વારા વિકસીત કોરોનાવાયરસની વેક્સીન સોમવાર તા. 4ની સવારે 7.30 કલાકે ઓક્સફર્ડમાં જન્મેલા અને ઉછરેલા ડાયાલિસિસના દર્દી બ્રાયન પિંકરને આપવા સાથે એનએચએસ વિશ્વની પ્રથમ આરોગ્ય સેવા બની હતી.

હોસ્પિટલના ચિફ નર્સ દ્વારા આ રસી આપવામાં આવી હતી. 82 વર્ષના બ્રાયન, નિવૃત્ત મેઇન્ટેનન્સ મેનેજર છે અને ઘણાં વર્ષોથી હોસ્પિટલમાં કિડનીના રોગ માટે ડાયાલિસિસ કરાવે છે. બ્રાયન પિંકરે કહ્યું હતું કે “મને આજે કોવિડ રસી મળી હોવાનો ખૂબ આનંદ થયો છે. ખરેખર ગર્વ છે કે તેની શોધ ઑક્સફર્ડમાં કરવામાં આવી હતી. રસી મળતાં હવે મને માનસિક શાંતિ મળી છે. હું ફેબ્રુઆરીમાં પત્ની શર્લી સાથે લગ્ન 48મી જયંતિની ઉજવણીની રાહ જોઈ શકું છું.”

ઑક્સફોર્ડ યુનિવર્સિટી હૉસ્પિટલ્સ એનએચએસ ફાઉન્ડેશન ટ્રસ્ટના ચિફ નર્સિંગ ઑફિસર, સેમ ફોસ્ટરે આજે સવારે ઑક્સફર્ડની પ્રથમ રસી આપતાં જણાવ્યું હતું કે “અહીંની ઑક્સફર્ડની ચર્ચિલ હોસ્પિટલમાં ઑક્સફર્ડ અને એસ્ટ્રાઝેનેકા નિર્મીત પ્રથમ રસી આપવાનો મને બહુ મોટો લહાવો મળ્યો છે. રસી વિકસિત થઇ ત્યાંથી કેટલાક સો મીટર દૂર અમે છીએ. આવતા અઠવાડિયાઓમાં ઓક્સફર્ડ રસી ઘણા વધુ દર્દીઓ અને હેલ્થ કેર કર્મચારીઓને રસી આપવાની અમે રાહ જોઇ રહ્યા છે.”

આ રસીઓ પ્રથમ થોડા દિવસો માટે દેખરેખ રાખવાના હેતુસર થોડી સંખ્યામાં જ હોસ્પિટલોમાં પહોંચાડવામાં આવશે, જે ધોરણસર મુજબની પ્રથા છે. એક વખત સુરક્ષાની ખાતરી થઇ જશે પછી જી.પી.ની આગેવાની હેઠળ સેંકડો સેવાઓને મોકલવામાં આવશે. નવી ઑક્સફર્ડ રસી સામાન્ય ફ્રીજમાં રાખી શકાય છે.  એન.એચ.એસ. હાલમાં દરેક કેર હોમ નિવાસીઓને મહિનાના અંત સુધીમાં રસી આપવા બદલ વધારાના £10 આપી રહ્યા છે.

બ્રાયન સાથે, મ્યુઝિક ટીચર અને ત્રણ સંતાનોના પિતા ટ્રેવર કાઉલેટ અને ઑક્સફર્ડ વેક્સીનેશન ગ્રુપના ડિરેક્ટર અને ઑક્સફર્ડ વેક્સીન ટ્રાયલના ચિફ ઇન્વેસ્ટીગેશન પ્રોફેસર એન્ડ્ર્યૂ પોલાર્ડ તા. 4 ના રોજ રસી મેળવનાર પ્રથમ લોકોમાં છે. પ્રોફેસર એન્ડ્રુ પોલાર્ડ જણાવ્યું હતું કે “સખત મહેનત કરીને બનાવવામાં આવેલી રસી મને મળી તે મારા માટે અવિશ્વસનીય ગર્વની ક્ષણ હતી. બાળ ચિકિત્સક તરીકે, હું જાણું છું કે હેલ્થકેર કામદારો અને અન્ય અગ્રતા જૂથોને શક્ય તેટલી વહેલી તકે રસી આપી સુરક્ષિત કરવામાં આવે તે જરૂરી છે.”

730થી વધુ રસીકરણ સાઇટ્સ પહેલાથી જ યુકેમાં સ્થાપિત થઈ ચુકી છે અને સેંકડો વધુ આ અઠવાડિયે ખુલી રહી છે જેની કુલ સંખ્યા 1,000 થી વધુ પર લઈ જવાશે. યુકેમાં દસ લાખથી વધુ લોકોને પહેલેથી જ ફાઇઝર / બાયોએનટેક રસી આપવામાં આવી છે.

આ રસીઓ એનએચએસ અને કેર સ્ટાફ તથા વૃદ્ધ દર્દીઓને રસીકરણ માટે હોસ્પિટલ હબ્સ સુધી પહોંચાડવામાં આવશે. આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે સ્થાનિક ટીમો અને જી.પી. સાથે સ્થાનિક સમુદાયની સેવાઓ પહેલેથી સાઇન અપ કરી રહી છે; દેશભરમાં રસીકરણ કેન્દ્રો સુધી લોકો રસી લઇ શકે છે.

રસીકરણ કરવા માટે અરજી કરનાર હાલના અને ભૂતપૂર્વ એનએચએસ સ્ટાફની સેનામાંના હજારો લોકોએ તેમની ઑનલાઇન તાલીમ પૂર્ણ કરી લીધી છે. શક્ય તેટલી ઝડપથી તેની પ્રક્રિયા કરવામાં આવી રહી છે અને રસીનો વધુ પુરવઠો ઉપલબ્ધ થતાં જ તેમને તૈનાત કરવામાં આવશે.