પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

કોરોનાના મૃત્યુઆંક અંગેના વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO)ના રીપોર્ટને ભારતની જેમ પાકિસ્તાને પણ ફગાવી દીધો છે. પાકિસ્તાનને WHOની ડેટા એકઠા કરવાની પદ્ધિત સામે સવાલ ઉઠાવ્યો છે. યુએનની આ એજન્સીના રીપોર્ટમાં પાકિસ્તાનમાં કોરોનાથી કુલ 2,60,000 મોત થયા હોવાનો અંદાજ વ્યક્ત કર્યો છે, જે સત્તાવાર આકડા કરતાં આઠ ગણા વધુ છે.

પાકિસ્તાનમાં કોરોનાનો કુલ મૃત્યુનો સત્તાવાર આંકડો 30,369 છે અને દેશમાં 15 લાખ કોરોનાના કેસ નોંધાયા હતા.
આરોગ્ય પ્રધાન અબ્દુલ કાદિર પટેલને ટાંકીને એક અહેવાલમાં જણાવાયું છે કે અમે કોરોના મોત અંગે ડેટા એકત્ર કરીએ છીએ, તેમાં કેટલાંક સેંકડોનો તફાવત હોઇ શકે છે, પરંતુ હજારોનો તફાવત હોઇ શકે નહીં. આ સંપૂર્ણપણે તથ્યવિહીન છે.WHOના રિપોર્ટ મુજબ છેલ્લાં બે વર્ષમાં વિશ્વમાં કોરોનાને કારણે અથવા આરોગ્ય પરની તેની અસરને કારણે આશરે 1.5 કરોડ લોકોના મોત થયા હોવાનો અંદાજ છે. વૈશ્વિક સ્તરે કોરોનાના મૃત્યુનો સત્તાવાર આંક 60 લાખ છે. મોટાભાગના મોત દક્ષિણપૂર્વ એશિયા, યુરોપ અને અમેરિકામાં થયા છે.

પાકિસ્તાનના પ્રધાને જણાવ્યું હતું કે વૈશ્વિક આરોગ્ય સંસ્થાના આંકડાને નકારી કાઢીને સરકારે ગણતરીની પ્રક્રિયા પણ સમજાવી છે. ડેટા એકત્ર કરવાની પદ્ધતિ વાંધાજનક છે. પાકિસ્તાનની સરકારે હોસ્પિટલ્સ, યુનિયન કાઉન્સિલ અને કબ્રસ્તાનમાંથી ડેટા એકત્ર કર્યા છે. તેમણે આશંકા વ્યક્ત કરી હતી કે WHOએ ઉપયોગ કરેલા ડેટા કલેક્શન સોફ્ટવેરમાં કોઇ ક્ષતિ હોઇ શકે છે. આ સોફ્ટવેર સરેરાશ ધોરણે આંકડા દર્શાવે છે. આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે મંત્રાલયે જિલ્લા સ્તરે કોરોનાના દરેક મોતની નોંધણી કરવા માટે વ્યવસ્થાતંત્ર છે.