
પાકિસ્તાની એરફોર્સે સોમવારે તેના અશાંત ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં કરેલા હવાઈ હુમલામાં મહિલાઓ અને બાળકો સહિત ઓછામાં ઓછા 30 લોકો માર્યા ગયા હતાં. પાકિસ્તાની લડાકુ વિમાનોએ તિરાહ ખીણમાં સ્થિત માટ્રે દારા ગામ પર આઠ LS-6 બોમ્બ ફેંક્યા હતા, જેના કારણે મોટાભાગે જાનહાની થઈ હતી. મૃતકોમાં બધા જ નાગરિકો હતા.
સ્થાનિક મીડિયાએ અહેવાલ મુજબ ઘણા લોકો ઘાયલ પણ થયા હતાં. ઘટના સ્થળના ચિંતાજનક ફોટોગ્રાફ્સ અને વીડિયોમાં બાળકો સહિત મૃતદેહો આસપાસ પડેલા દેખાઈ રહ્યા છે. બચાવ ટીમો કાટમાળ નીચે મૃતદેહો શોધવામાં રોકાયેલી હતી, જેના કારણે મૃત્યુઆંક વધવાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી.
ખૈબર પખ્તુનખ્વામાં ભૂતકાળમાં ઘણી આતંકવાદ વિરોધી અભિયાન હાથ ધરાયા હતાં. આ વર્ષની શરૂઆતમાં, જૂનમાં, એમ્નેસ્ટી ઇન્ટરનેશનલે કહ્યું હતું કે ખૈબર પખ્તુનખ્વામાં વારંવાર થતા ડ્રોન હુમલાઓ પાકિસ્તાનમાં નાગરિક જીવન પ્રત્યે ચિંતાજનક અવગણનાનો સંકેત આપે છે.
ખૈબર પખ્તુનખ્વાની પોલીસના જણાવ્યા અનુસાર, આ વર્ષે જાન્યુઆરીથી ઓગસ્ટ દરમિયાન પ્રાંતમાં 605 આતંકવાદી ઘટનાઓ નોંધાઈ છે જેમાં ઓછામાં ઓછા 138 નાગરિકો અને 79 પાકિસ્તાની પોલીસ કર્મચારીઓ માર્યા ગયા છે. ફક્ત ઓગસ્ટ મહિનામાં જ 129 ઘટનાઓ નોંધાઈ છે, જેમાં છ પાકિસ્તાની સેના અને અર્ધલશ્કરી ફેડરલ કોન્સ્ટેબલરીના કર્મચારીઓની હત્યાનો સમાવેશ થાય છે.
