પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

વડાપ્રધાન ઇમરાન ખાનના વડપણ હેઠળના પાકિસ્તાનના ટેક્સટાઇલ મંત્રાલયે ભારતમાંથી કોટનની આયાત પરના પ્રતિબંધને ઉઠાવી લેવાની ભલામણ કરી છે. દેશના ટેક્સટાઇલ ક્ષેત્રમાં કાચા માલની અછતને દૂર કરવા માટે આ ભલામણ કરવામાં આવી છે, એમ મંગળવારે મીડિયા અહેવાલમાં જણાવાયું હતું.

સત્તાવાર સૂત્રોને ટાંકીને અહેવાલમાં જણાવાયું હતું કે ટેક્સટાઇલ મંત્રાલયે ભારતમાંથી કોટન અને કોટન યાર્નની આયાત પરના પ્રતિબંધને ઉઠાવી લેવા માટે કેબિનેટની આર્થિક સંકલન સમિતિ (ઇસીસી)ની મંજૂરી માગી છે. અધિકારીએ જણાવ્યું હતું કે અમે પ્રતિબંધ ઉઠાવી લેવાનો અહેવાલ એક સપ્તાહ પહેલા રજૂ કર્યો છે. સંકલન સમિતિના નિર્ણય અંગે પછીથી કેન્દ્રીય કેબિનેટની મંજૂરી લેવામાં આવશે.

પાકિસ્તાનમાં કપાસના નીચા ઉત્પાદનથી સમસ્યા ઊભી થઈ છે અને તેનાથી ભારતમાંથી આયાતનો માર્ગ મોકળો થયો છે. ભારતે 2019માં જમ્મુ કશ્મીરના ખાસ દરજ્જાને નાબૂદ કર્યા બાદ પાકિસ્તાનને ભારત સાથેના વેપાર સંબંધો તોડી નાંખ્યા હતા. મે 2020માં પાકિસ્તાને ભારતમાંથી મેડિસિન અને કાચા માલની આયાાત પરના પ્રતિબંધને ઉઠાવી લીધો હતો. પાકિસ્તાનના ટેક્સટાઇલ ક્ષેત્રે સરકારની આ હિલચાલને આવકારી હતી.

પાકિસ્તાન ટેક્સટાઇલ એક્સપોર્ટર્સ એસોસિયેશનના ચેરમેન ખુર્રમ મુખ્તારે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે ભારતમાંથી રો કોટન, યાર્ન અને ગ્રે ફેબ્રિકની આયાતથી દેશમાં માગ અને પુરવઠા વચ્ચેના તફાવતને દૂર કરી શકાશે. તેનાથી પાકિસ્તાનના નિકાસકારો ગ્રોથ મોમેન્ટમને ચાલુ રાખી શકશે.

વિવિધ અહેવાલ અનુસાર પાકિસ્તાનમાં કપાસની વાર્ષિક માગ ઓછામાં ઓછી 12 મિલિયન ગાંસડી રહેવાનો અંદાજ છે. આની સામે આ વર્ષે માત્ર 7.7 મિલિયન ગાંસડીના ઉત્પાદનનો અંદાજ છે. તેથી છ મિલિયન ગાંસડીની અછત ઊભી થઈ શકે છે. પાકિસ્તાનને અત્યાર સુધી આશરે 688,305 મેટ્રીક ટન કોટન અને યાર્નની આયાત કરી છે.
ભારતમાંથી આયાત સસ્તી પડે છે અને ત્રણથી ચાર દિવસમાં માલ મળી જાય છે. બીજા દેશોમાંથી યાર્નની આયાત માત્ર મોંઘી જ નથી, પરંતુ પાકિસ્તાન પહોંચતા એકથી બે મહિના લાગે છે.