પાકિસ્તાનમાં મોંઘવારી આસમાને પહોંચતા સામાન્ય માણસનો જીવન નિર્વાહ ખોરવાયો છે. જીવનજરૂરી ચીજ-વસ્તુઓ મોંઘી બની છે. દેશભરમાં ટામેટાના ભાવ રેકોર્ડ સ્તર પર પહોંચ્યા છે અને ઘણાં બજારોમાં તે 550થી 600 પાકિસ્તાની રૂપિયા (PKR) પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહ્યા છે, જે સામાન્ય કરતાં આશરે 400 ટકા વધુ છે.
અફઘાનિસ્તાનથી આયાત બંધ થવા અને સ્થાનિક પાકને નુકસાન થવાને કારણે દેશમાં ટામેટાંની ભારે અછત સર્જાઈ છે. આખી સ્થિતિની શરૂઆત 11 ઑક્ટોબરે પાકિસ્તાન-અફઘાન સરહદ પર તણાવ વધવાથી થઈ હતી, જેના કારણે તોરખમ અને ચમન જેવા મહત્વના વેપારી રસ્તા બંધ કરવામાં આવ્યા હતા. પાકિસ્તાન સરકારે અફઘાનિસ્તાનના સત્તાધિશો પર ત્રાસવાદી હુમલાનો આરોપ મૂક્યો હતો, ત્યારબાદ બંને દેશો વચ્ચેનો વેપાર ઠપ્પ થઈ ગયો છે. અફઘાનિસ્તાનથી આવતા ટામેટાંના 5000 જેટલા કન્ટેનર અટવાતા કરાચી, લાહોર અને ઇસ્લામાબાદનો પૂરવઠો ખોરવાયો હતો. બલુચિસ્તાનનો પાક પૂરો થઈ રહ્યો છે અને ઈરાનથી આયાત પણ ધીમી છે, જેને કારણે માગ અને પુરવઠામાં ખાધ વધી ગઈ છે. જથ્થાબંધ વેપારીઓએ ભાવોમાં વધારો કર્યો હોવાથી રીટેઇલ ભાવ લગભગ બમણા થઈ ગયા છે.
આ સાથે અન્ય શાકભાજીની કિંમતોમાં પણ ખૂબ જ મોટો વધારો નોંધાયો હતો, જેમાં લસણ- રૂ 400, ભીંડા- રૂ. 300, કાકડી- રૂ. 150, આદુ- રૂ. 750, ડુંગળી- રૂ. 120, વટાણા- રૂ. 500 એ પહોંચ્યા છે. અગાઉ જુલાઈ, 2023માં પાકિસ્તાને ‘દુનિયાનો સૌથી મોંઘો લોટ’ જોવા મળવાનો રેકોર્ડ બનાવ્યો હતો. તે સમયે કરાચીમાં 20 કિલો લોટનો થેલો 3200 રૂપિયામાં વેચાયો હતો. ખાંડના ભાવ પણ 160 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી ગયા હતા.












