અમેરિકાએ રશિયામાં ઓઇલનું ઉત્પાદન કરતી બે કંપનીઓ પર પ્રતિબંધ મુક્યો છે. આ સ્થિતિમાં ભારતની ઓઇલ રીફાઇનરી કંપનીઓ હવે રશિયાથી ક્રુડ ઓઇલની આયાતમાં થતી ઘટાડાની ભરપાઈ કરવા માટે પશ્ચિમ એશિયા, લેટિન અમેરિકા અને અમેરિકા જેવા દેશોમાંથી તેની ખરીદી વધારે તેવી સંભાવના છે. અમેરિકન એડમિનિસ્ટ્રેશને તાજેતરમાં રશિયાની બે સૌથી મોટી ક્રૂડ ઓઇલ ઉત્પાદક કંપનીઓ-રોસનેફ્ટ અને લુકઓઇલ પર પ્રતિબંધ મુક્યો હતો. આ પ્રતિબંધ અંતર્ગત તમામ અમેરિકન સંસ્થાઓ અને વ્યક્તિઓ આ કંપનીઓ સાથે વેપાર કરી શકશે નહીં. પ્રતિબંધિત રશિયન તેલ કંપનીઓ અથવા તેમની સહાયક કંપનીઓ સાથે લેવડદેવડ કરતી કોઈપણ બિન અમેરિકી કંપનીને પણ દંડનો સામનો કરવો પડી શકે છે.
અમેરિકન એડમિનિસ્ટ્રેશને જણાવ્યું હતું કે, આ બંને કંપનીઓ સાથે સંકળાયેલા તમામ વ્યવહારો 21 નવેમ્બર સુધી પૂરા થઈ જવા જોઈએ. અત્યારે ભારતની ક્રુડ ઓઇલની કુલ આયાતમાં આશરે એક તૃતીયાંશ હિસ્સો રશિયાનો છે. રશિયાએ આ વર્ષે ભારતને સરેરાશ દિવસે આશરે 17 લાખ બેરલ ક્રુડ ઓઇલ નિકાસ કર્યું છે, જેમાંથી આશરે 12 લાખ બેરલ દૈનિક ક્રુડ સીધું રોસનેફ્ટ અને લ્યુકઓઇલ પાસેથી મેળવ્યું હતું. આમાંથી મોટા ભાગનું ઓઇલ ખાનગી રીફાઇનરીઓ રિલાયન્સ અને નાયરા એનર્જી એ ખરીદ્યું હતું, જ્યારે સરકારી રીફાઇનરીઓનો તેમાં ઓછો હિસ્સો રહ્યો છે. સૂત્રોના જણાવ્યા મુજબ, રીલાયન્સ દ્વારા રોસનેફ્ટ સાથે 25 વર્ષનો કરાર કરવામાં આવ્યો હતો, જેમાં રોજના 5 લાખ બેરલ સુધી ક્રુડની ખરીદીની જોગવાઈ છે. આથી તે રશિયાથી આયાત બંધ કરનાર પ્રથમ ભારતીય કંપની બની શકે છે.












