Shaheen Afridi
(ANI Photo)

ભારતનો મુખ્ય સ્ટ્રાઈક બોલર, પેસર જસપ્રીત બુમરાહ પીઠની તકલીફના કારણે એશિયા કપ નહીં રમે તેવા દુખદ સમાચાર પછી ભારત માટે હવે સારા સમાચાર એ છે કે પાકિસ્તાનનો મુખ્ય ફાસ્ટ બોલર શાહીન આફ્રીદી પણ ઈજાગ્રસ્ત હોવાના કારણે એશિયા કપમાં રમી શકશે નહીં. 

એશિયા કપ 2022ના મુખ્ય રાઉન્ડની મેચો 27 ઓગસ્ટથી યુએઈમાં શરૂ થવાની છે. જસપ્રીત બુમરાહ અને શાહીન આફ્રિદી બંને આંતરરાષ્ટ્રીય ક્રિકેટના દિગ્ગજ બોલરો છે. ભારત અને પાકિસ્તાનની મેચ આગામી રવિવારે, 28મી છે. હવે ઓસ્ટ્રેલિયામાં યોજાનારી ટી-20 વર્લ્ડ કપ સ્પર્ધા પણ બહુ દૂર નથી ત્યારે એશિયા કપ ટી-20 તેની પૂર્વતૈયારીઓની દ્રષ્ટિએ મહત્ત્વની છે. 

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે ગયા સપ્તાહે શનિવારે માહિતી આપી હતી કે 22 વર્ષનો ડાબોડી ફાસ્ટ બોલર શાહીન આફ્રિદી હવે એશિયા કપમાં નહીં રમી શકે. તાજેતરમાં શ્રીલંકા સામેની ટેસ્ટ શ્રેણી દરમિયાન તેને ઘૂંટણમાં ઈજા થઈ હતી. તેને 4 થી 6 અઠવાડિયાનો આરામ કરવાની સલાહ અપાઈ હતી. આફ્રિદીની જગ્યાએ હસન અલીને પાકિસ્તાન ટીમમાં સામેલ કરાયો છે. 

ભારત અને પાકિસ્તાન ઉપરાંત શ્રીલંકાઅફઘાનિસ્તાન અને બાંગ્લાદેશની ટીમો ટી20 એશિયા કપના મુખ્ય રાઉન્ડમાં છે. સ્પર્ધાની ફાઈનલ 11 સપ્ટેમ્બરે છે. ભારતે સૌથી વધુ – 7 વખત એશિયા કપ હાંસલ કર્યો છે, તો શ્રીલંકાએ 5 વખત આ તાજ હાંસલ કર્યો છે. પાકિસ્તાનની ટીમ 4 વખત ચેમ્પિયન બની છે.