(Photo by Chris J Ratcliffe/Getty Images)

બ્રિટનના બકિંગહામ પેલેસમાં આ સમરમાં પ્રથમ વખત મુલાકાતીઓને ગાર્ડનમાં મુક્ત રીતે ફરવાની અને લોનમાં પિકનિકની મજા માણવાની પરવાનગી આપવામાં આવી છે, એવી રોયલ કલેક્શન ટ્રસ્ટે જાહેરાત કરી હતી.
કોરોના સંબંધિત નિયંત્રણોને કારણે ગયા વર્ષના ઉનાળામાં આ પેલેસ ખુલ્લો મૂકવામાં આવ્યો ન હતો. જોકે હવે નિયંત્રણો હળવા કરવામાં આવ્યા હોવાથી 39 એકરમાં પથરાયેલા આ ગાર્ડનમાં 9 જુલાઈથી 19 સપ્ટેમ્બર દરમિયાન સેલ્ફ ગાઇડેડ ટુરનું આયોજન થઈ શકશે.

મુલાકાતીઓ પોતાની રીતે રૂટ પસંદ કરી શકશે તથા 156 મીટરની હર્બેશિયલ બોર્ડર અને પ્લેન ટ્રીની મજા માણી શકશે. લોકો અહીં 3.5 એકરના સરોવરનો નજરો પણ માણી શકશે. પેલેસની એક સ્વિપિંગ લોનમાં પિકનિકની પણ મંજૂરી આપવામાં આવી હતી. અગાઉના વસંતઋતુ અને ઉનાળાની ગાર્ડન ટુર્સ હંમેશા ઓથોરિટીના માર્ગદર્શન હેઠળ યોજાતી હતી. લંડનના મધ્યભાગમાં હોવા ઉપરાંત આ ગાર્ડનમાં 1,000થી વધુ પ્રકારના વૃક્ષો છે. તેમાં 320 પ્રકારના વાઇલ્ડફ્લાવર છે.

આ મહિનાના વીકએન્ડમાં ગાઇડેડ ટુર્સનો પણ પ્રારંભ થશે. ડેઇલી ગાઇડેડ ટુર્સમાં રોઝ ગાર્ડન, સમર હાઉસ અને વાઇલ્ડફ્વાર મીડોની મજા માણી શકાશે. ડેઇલી ગાઇડેડ ટુર્સ માટે અલગથી બુકિંગ થશે. મેથી સપ્ટેમ્બર વચ્ચે સ્મોલ ગાઇડેડ ટુર્સનું પણ આયોજન થશે.