India's Press Information Bureau/Handout via REUTERS

સંસદના ચોમાસું સત્રનો 20 જુલાઈથી પ્રારંભ થશે અને તે 23 દિવસ સુધી ચાલશે. વિપક્ષ સમાન નાગરિક સંહિતા (UCC), દિલ્હી વટહુકમ અને મણિપુરની હિંસા સહિતના મુદ્દે સરકારને ઘેરવાનો પ્રયાસ કરશે. સંસદની નવી ઇમારતમાં યોજાનારું તે પ્રથમ સત્ર બની રહેશે.
સંસદીય બાબતોના પ્રધાન પ્રહલાદ જોશીએ શનિવારે માહિતી આપી હતી કે સંસદનું ચોમાસું સત્ર 20 જુલાઈથી શરૂ થશે અને 11 ઓગસ્ટ સુધી ચાલશે. તેમણે તમામ રાજકીય પક્ષોને સત્ર દરમિયાન ફળદ્વુપ ચર્ચામાં યોગદાન આપવાનો અનુરોધ કર્યો હતો.
નવી સંસદની ઇમારતમાં યોજાનારું આ પ્રથમ સંસદીય સત્ર હશે. સૂત્રોએ જણાવ્યું હતું કે ચોમાસું સત્ર સંસદની જૂની ઇમારતમાં શરૂ થવાની ધારણા છે અને પછી તેની આગળની કાર્યવાહી નવી ઇમારતમાં ચાલુ કરાશે. નવા સંસદભવનનું પીએમ મોદીએ 28મેએ ઉદ્ઘાટન કર્યું હતું
આગામી વર્ષે લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને વિપક્ષો નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળના ભાજપનો સામનો કરવા એકજૂથ થવાના પ્રયાસ કરી રહ્યાં છે ત્યારે સંસદનું આ સત્ર તોફાની બની રહેવાની ધારણા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સમાન નાગરિક સંહિતાની જોરદાર હિમાયત કર્યા પછી સરકારે આ મુદ્દે વિચારવિમર્શની પ્રક્રિયા ચાલુ કરી છે ત્યારે સંસદનું આ સત્ર યોજાઈ રહ્યું છે.
ચોમાસુ સત્ર દરમિયાન સરકાર નેશનલ કેપિટલ ટેરિટરી ઓફ દિલ્હી (સુધારા) વટહુકમ અંગેનું એક બિલ રજૂ કરે તેવી શક્યતા છે. આ વટહુકમનો આમ આદમી પાર્ટી જોરદાર વિરોધ કરી રહી છે. કોંગ્રેસ સિવાયના મોટાભાગે વિપક્ષો આ મુદ્દે અરવિંદ કેજરીવાલને સમર્થન આપ્યું છે. સરકારે વટહુકમ જારી કરીને કેન્દ્ર સરકારે દિલ્હીની વહીવટી સેવાઓ પર અંકુશ મેળવ્યો હતો અને સુપ્રીમ કોર્ટના ચુકાદાને ફેરવી તોડ્યો હતો. કેન્દ્રીય કેબિનેટ દ્વારા મંજૂર કરાયેલ નેશનલ રિસર્ચ ફાઉન્ડેશન બિલ પણ રજૂ કરવામાં આવે તેવી શક્યતા છે. સૂચિત ફાઉન્ડેશન વિજ્ઞાન અને ટેક્નોલોજીના ક્ષેત્રોમાં દેશની સંશોધન ક્ષમતાને વેગ આપવા માટેની ફંડિંગ એજન્સી હશે.

LEAVE A REPLY

4 × 4 =