પર્યુષણ પર્વે અંગદાન માટે પ્રોત્સાહિત કરતો જૈન સમુદાય

0
424

જૈન સમુદાય દ્વારા યુકેમાં આ વર્ષે પર્યુષણ દરમિયાન દરેક વ્યક્તિને મૃત્યુ પછી અંગ દાન વિશે વિચાર કરવા વિનંતી કરવામાં આવી રહી છે. પર્યુષણ એ તમામ જૈનો માટે તેમની ક્રિયાઓ પર પ્રતિબિંબિત કરવાનો, કરુણા વિશે વિચાર કરવાનો અને તમામ જીવન બચાવવા અને ક્ષમા માટેનો વર્ષનો સૌથી મહત્વપૂર્ણ સમય છે. અંગ દાન અંગે જૈનો સામાન્ય રીતે ખૂબ જ સકારાત્મક હોય છે. મે 2020માં ઇંગ્લેન્ડમાં અંગદાનમાંથી ઓપ્ટ આઉટ અંગેના કાયદામાં આવેલા પરિવર્તન બાદ અંગ દાન વિશે વાત કરવાની આ એક સુંદર તક છે.

અંગ દાન અંગેના જૈન સંદેશને પ્રકાશિત કરવા માટે એક વિશેષ ફિલ્મ પર્યુષણના પહેલા દિવસે તા. 15 ઓગસ્ટ 2020ના રોજ રજૂ કરવામાં આવશે અને તેને જૈન સમુદાયમાં મોટા પ્રમાણમાં શેર કરવામાં આવશે. એનએચએસ બ્લડ અને ટ્રાન્સપ્લાન્ટની ભાગીદારીમાં તેનું નિર્માણ કરવામાં આવ્યું છે.

યુકેમાં વધુ અંગદાન કરનારાઓની આવશ્યકતા છે. ખાસ કરીને, અમને એશિયન સમુદાયના વધુ દાતાઓની જરૂર છે. માર્ચ 2019માં 1006 એશિયન અંગ પ્રત્યારોપણની રાહ જોતા હતા તેની સામે વર્ષ 2018/19 માં, ફક્ત 56 એશિયન દાતા હતા, જેમણે તેમના અવસાન પછી તેમના અંગોનું દાન કર્યું હતું. રજિસ્ટર પરના એશિયન લોકોએ પ્રત્યારોપણ મેળવવા માટે વધુ સમય રાહ જોવી પડે છે. ખેદની વાત છે કે અંગ દાનની રાહ જોતા ઘણા લોકો મરે છે.

જૈન સમુદાય ઘણા વર્ષોથી અંગ દાનને પ્રોત્સાહન આપવા માટે સક્રિય છે અને વાણિક કાઉન્સિલ યુકે, ઓશવાલ એસોસિએશન યુકે, જૈન નેટવર્ક યુકે અને વીરાયતન યુકે સહિતની સંખ્યાબંધ સંસ્થાઓ NHSBT પાસેથી ભંડોળ મેળવવામાં સફળ રહી છે અને જૈન સમુદાયમાં અંગ દાન અંગે જાગૃતિ લાવવા માટે અદ્ભુત કાર્ય કરી રહ્યા છે.

વન જૈનનાં સંયોજક નેમુભાઇ ચંદારિયા, ઓબીઇએ જણાવ્યું હતું કે અંગદાનએ કરુણાની અ સૌથી મોટી ક્રિયા છે, જે આપણે કરી શકીએ છીએ. તમારા શરીરનું કોઈ અંગ બીજાને આપવાથી તેમને વધુ સંપૂર્ણ બનાવે છે અને તેમનું જીવન વધુ પરિપૂર્ણ બનાવે છે.”

વણિક કાઉન્સિલ યુકેના અધ્યક્ષ મનહરભાઇ મહેતાએ જણાવ્યું હતું કે ‘’જૈનો અંગ દાનને બીજાઓને મદદ કરવા માટેની સ્વેચ્છાએ પોતાનામાંથી ભાગ પાડવાની ક્રિયા તરીકે જુએ છે. પર્યુષણ એ બધા જીવો પ્રત્યેની કરુણાનો સમય છે અને જીવન બચાવવા માટે દાન આપવાનો સમય છે.”

જૈન સમાજ માન્ચેસ્ટરના પ્રમુખ શ્રી હિરેન વોરાએ ઉમેર્યું હતું કે અંગ દાતાઓ બીજા પ્રત્યે બિનશરતી પ્રેમનો દાખલો આપે છે. અપરિગ્રહના ગુણનું પાલન કરવામાં પણ મદદ કરે છે.”

જૈન અને હિન્દુ અંગ દાન સ્ટીઅરિંગ જૂથમાં વીસ સ્વયંસેવકો છે, જેઓ અંગદાન વધારવા માટે ઉત્સાહી છે અને અંગદાનને પ્રોત્સાહન આપવા પ્રવૃત્તિઓનું નેતૃત્વ અને સંકલન કરે છે. કાયદામાં પરિવર્તનના સંદર્ભમાં ખાસ કરીને જૈન સમુદાયને ધ્યાનમાં રાખીને છ વિડિઓઝ બનાવવામાં આવ્યા છે જે અહીં ઉપલબ્ધ છે. https://www.youtube.com/playlist?list=PLjl4wHu2TagOmDOR-8D90Z8_gNApfGxza

વધુ માહિતી માટે સંપર્ક: www.organdonation.nhs.uk અથવા ફોન 0300 303 2094.