પાકિસ્તાનમાં ભયંકર વીજ કટોકટી ઊભી થઈ છે અને નાગરિકો દૈનિક 12 કલાક સુધીના વીજ કાપનો સામનો કરી રહ્યાં છે. નાણાભીડનો સામનો કરી રહેલા ભારતના આ પડોશી દેશમાં પાવર પ્લાન્ટ માટે ઇંધણ ઉપલબ્ધ નથી અને કેટલાંક મહત્ત્વના પાવર પ્લાન્ટનું યોગ્ય મેન્ટેનન્સ થયું નથી. તેથી રમઝાનના પવિત્ર મહિનામાં લોકોએ  અંધારામાં નમાજ અદા કરવી પડે છે, એમ મીડિયા અહેવાલમાં જણાવાયું છે.

ગુરુવારે વીજકાપથી ઇફતારી અને સેહરીના પ્રસંગોએ લોકોને દયનીય સ્થિતિમાં મૂકી દીધાં છે. કે-ઇલેક્ટ્રિક (કેઇ)એ લાંબુ લોડ મેનેજમેન્ડ શિડ્યુલ્ડ જાહેર કર્યું હતું, જેમાં વિવિધ વિસ્તારોમાં ઘણા કલાકો સુધીના વીજ કાપનો સમાવેશ થતો હતો. પાકિસ્તાનના વર્તમાનપત્ર ડોને કેઇ કંપનીના એસએમએસને ટાંકીને જણાવ્યું હતું કે નેશનલ ગ્રીડમાં અછતને કારણે તમારા વિસ્તારમાં લોડ મેનેજમેન્ટ થઈ રહ્યો છે.
પાવર ડિવિઝનના અધિકારીઓએ જણાવ્યું હતું કે સિસ્ટમમાં પાણીના પ્રવાહમાં સુધારો ન થતાં હાઇડ્રોપાવરના ઉત્પાદનમાં ઘટાડો થયો છે. આની સાથે ઉનાળાની કાળઝાળ ગરમીને કારણે વીજળીની માગમાં વધારો થયો છે. વીજળીની માગ પીક અવર્સમાં વધીને 19,000 મેગાવોટ થઈ છે. તેનાથી વીજળીની કટોકટી વણસી છે. રૂ.300 અબજના બાકી લેણાની ચુકવણી ન થઈ હોવાથી 1,980 મેગાવોટનું ઉત્પાદન કરતાં પાવર પ્લાન્ટસ બંધ પડ્યા છે.

અધિકારીઓએ જણાવ્યું હતું કે દિવસના સમય દરમિયાન હાલમાં 12,000 મેગાવોટ વીજળીનું ઉત્પાદન થાય છે તથા ઇફતારીથી સેહરી દરમિયાન પીક અવર્સમાં 16,000 મેગાવોટનું ઉત્પાદન થાય છે. પાકિસ્તાનમાં વીજળીની ઉત્પાદન ક્ષમતા આશરે 39,000 મેગાવોટની છે.

ન્યૂઝ ઇન્ટરેશનલના જણાવ્યા અનુસાર કરાચી, હૈદરાબાદ, રાવલપિંડી, લાહોર, ફૈસલાબાદ અને સિયાલકોટ જેવા શહેરી કેન્દ્રોમાં 4થી 10 કલાકનો વીજ કાપ છે, જ્યારે ગ્રામીણ વિસ્તારમાં 10થી 12 કલાક સુધી વીજળી ગૂલ રહે છે. નેશનલ ગ્રીડમાંથી વીજ સપ્લાયમાં 300 મેગાવોટના ઘટાડાને કારણે કરાંચીમાં 3થી 4 કલાકનો વીજકાપ રહે છે. સિંઘના દૂરના વિસ્તારોમાં વીજળીકાપ 10થી 12 કલાસનો છે. રાવલપિંડીમાં 4થી 5 કલાક વીજળી ગૂલ થાય છે.