ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોવાલ (ANI Photo)

રાજ્યોમાં કાયદો અને વ્યવસ્થાની જાળવી ઉપરાંત પોલીસદળની દેશમાં આશરે 15,000 કીમી લાંબી સરહદના પ્રબંધનમાં પણ મહત્ત્વની ભૂમિકા છે. ભારત પાકિસ્તાન, ચીન, મ્યાનમાર અને બાંગ્લાદેશ સાથે સરહદ ધરાવે છે અને અલગ પ્રકારની સમસ્યા છે, એમ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોવાલે શુક્રવારે જણાવ્યું હતું.

હૈદરાબાદમાં સરદાર વલ્લભભાઈ પટેલ નેશનલ પોલીસ અકાદમી (SVPNPA)માં 73માં આઇપીએસ પ્રોબેશનર્સ બેચની પેરેડ દરમિયાન તેમણે જણાવ્યું હતું કે ભારતનું સાર્વભોમત્વ દરિયાઇ વિસ્તારોથી સરહદી વિસ્તારના છેલ્લાં પોલીસ સ્ટેશનના કાર્યક્ષેત્ર સુધી વિસ્તરેલું છે.

સરહદ સુરક્ષા દળ (બીએસએફ)ના કાર્યક્ષેત્રમાં વધારો કરતા કેન્દ્રના જાહેરનામાની વિરુદ્ધમાં પંજાબ વિધાનસભામાં ઠરાવ પસાર કરવામાં આવ્યાના એક દિવસ પછી ડોવાલે આ ટીપ્પણી કરી છે. કેન્દ્ર  સરકારે ગયા મહિને બીએસએફ ધારામાં સુધારો કર્યો હતો, તેનાથી પંજાબ, પશ્ચિમ બંગાળ અને આસામમાં આંતરરાષ્ટ્રીય સરહદથી 50 કિમી સુધીની દાયરામાં બીએસએફને સર્ચ, જપ્તી અને ધરપકડની સત્તા મળે છે. અગાઉ બીએસએફ 15 કિમીના દાયરામાં આવી કાર્યવાહી કરી શકતું હતું.

ડોવાલે જણાવ્યું હતું કે ભારતના 32 લાખ ચોરસ કિલોમીટર વિસ્તારના દરેક ભાગમાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી કરવાની જવાબદારી પોલીસદળની છે. તમારું (આઇપીએસ ઓફિસર)નું કાર્ય તાલિમ સુધી છે તે પોલીસની કામગીરી પૂરતું સીમિત નથી, તેમાં વધારો થશે. તમે આ દેશની સરહદના પ્રબંધન માટે જવાબદાર હશો. 15,000 કિમી લાંબી સરહદ છે અને મોટાભાગની જગ્યાએ તેની પોતાની સમસ્યાઓ છે.

પાકિસ્તાન, ચીન, મ્યાનમાર કે બાંગ્લાદેશ સાથે સરહદ છે. આપણી સામે સુરક્ષા સંબંધિત અલગ પ્રકારની સમસ્યા છે, જેના પર પોલીસ અને કેન્દ્રીય પોલીસ દળો નજર રાખે છે. તેમણે જણાવ્યું હતું કે યુદ્ધો હવે રાજકીય અને લશ્કરી હેતુઓ માટે અસરકારક માધ્યમ રહ્યાં નથી. યુદ્ધ પોસાય નહીં અને તેનું પરિણામ અનિશ્ચિત હોય છે. તેથી સિવિલ સોસાયટીનો દુરુપયોગ થઈ શકે છે, જેને વિભાજિત અને વિકૃત બનાવી શકાય છે અને દેશના હિતને નુકસાન કરી શકાય છે. આ યુદ્ધનો એક નવો મોરચો છે.

તેમણે જણાવ્યું હતું કે જો આંતરિક સુરક્ષા નિષ્ફળ રહે તો દુનિયાનો કોઇપણ દેશ મહાન બની શકતો નથી. જો લોકો સુરક્ષિત ન હોય અને લોકો પોતાની ક્ષમતા બહાર લાવી શકે નહીં અને દેશ ક્યારેય પ્રગતિ કરી શકે નહીં. ડોવાલના જણાવ્યા અનુસાર દેશમાં પોલીસ દળની સંખ્યા 21 લાખ છે અને અત્યાર સુધી 35,480 જવાનોએ બલિદાન આપ્યા છે.