વડા પ્રધાન બોરિસ જ્હોન્સન 10 દિવસ પહેલા બીમાર પડ્યા પછી કોરોનાવાયરસના લક્ષણો સતત ચાલુ રહેતા તેમને હોસ્પિટલમાં આઇસીયુમાં ખસેડવામાં આવ્યા હતા. બ્રિટનમાં કોરોનાવાયરસથી થતા મૃત્યુ અને નવા ચેપની સંખ્યામાં જોરદાર ઘટાડો થયો છે. છેલ્લા 24 કલાકમાં મરણ પામનારા લોકોની સંખ્યા 439ની નોંધાઇ હતી. જે લગભગ એક અઠવાડિયામાં સૌથી ઓછી છે. આમ યુકેમાં મોતને ભેટેલા લોકોની સંખ્યા કુલ 5,373 થઈ છે.

10 દિવસ પહેલા કોરોનાવાયરસનો ભોગ બનેલા 55 વર્ષિય વડા પ્રધાન બોરીસ જ્હોન્સનમાં કોરોનાવાયરસ લક્ષણો વધુ તીવ્ર થયા પછી આઈસીયુમાં ખસેડવામાં આવ્યા હતા. રવિવારે રાત્રે સેન્ટ થોમસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમને ‘સતત’ લક્ષણો જણાયા પછી સોમવારે રાત્રે પણ તેઓ હોસ્પિટલમાં જ રહ્યા હતા. તેમણે એક ટ્વીટમાં કહ્યું હતુ કે તેમની હાલત સારી છે. વડા પ્રધાનના પ્રવક્તાએ કહ્યું હતું કે તેઓ હજી પણ ‘નિરીક્ષણ હેઠળ છે’ અને ન્યુમોનિયા હોવાનું નિદાન થયું છે કે કેમ તે કહેવાનો ઇનકાર કર્યો હતો.

જ્હોન્સન હજૂ સભાન છે અને અત્યારે તેમને વેન્ટિલેટરની જરૂર નથી. તેમના ડેપ્યુટી તરીકે ફોરેન સેક્રેટરી ડોમિનિક રાબને પદ સોંપવામાં આવ્યુ છે. જ્હોનસન કેટલો સમય હોસ્પિટલમાં દાખલ રહેશે તેનો કોઈ સંકેત મળ્યો નથી. વડા પ્રધાનના પ્રવક્તાએ જણાવ્યું હતું કે તેમણે આરામદાયક રાત વિતાવી હતી.

યુકેમાં 3,802 નવા કેસ નોંધાયા હતા જે ગઈકાલ કરતાં 2,000 જેટલા ઓછા હતા. આમ કુલ પોઝીટીવ દર્દીઓની સંખ્યા 51,608 થઈ ગઈ છે. એનએચએસ ઇંગ્લેન્ડે 35થી 106 વર્ષની વયના 403 લોકોના મોત નોંધાયા હોવાનુ જાહેર કર્યુ હતુ જેમાંથી 15 સ્વસ્થ હતા. સ્કોટલેન્ડ, વેલ્સ અને નોર્ધર્ન આયર્લેન્ડમાં કુલ 36 લોકોના મોત નિપજ્યાં હતાં અને 626 નવા કેસ નોંધાયા છે. રવિવારની રાત્રે ક્વીન એલિઝાબેથે રાષ્ટ્રને આપેલા સંદેશમાં લોકોને સંકલ્પ બતાવવા અને ઘરની અંદર રહેવા વિનંતી કરી હતી.

વાયરસથી મોટાભાગના મોત લંડનમાં થયા હતા. લંડનમાં  કુલ 129, ત્યારબાદ મિડલેન્ડ્સમાં 75, નોર્થ ઇસ્ટ અને યોર્કશાયરમાં 67, ઇસ્ટ ઇંગ્લેન્ડમાં 44, નોર્થ વેસ્ટ ઇંગ્લેન્ડમાં 43, સાઉથ વેસ્ટ ઇંગ્લેન્ડમાં 27 અને સાઉથ ઇસ્ટ ઇંગ્લેન્ડમાં 18ના મોત નિપજ્યાં હતાં.

બ્રિટન માટે કાળા અઠવાડિયા પછી આજે આશાનો ઝગમગાટ દેખાયો હતો. કોવિડ-19માં મૃત્યુ પામેલા લોકોની સંખ્યા સતત બે દિવસથી નીચે આવી રહી છે. ગઈકાલે રવિવારે 621ની તુલનાએ આજે મોતના દરમાં ​​30 ટકાનો ઘટાડો થયો છે. ઇન્ટેન્સિવ કેર નેશનલ ઑડિટ એન્ડ રિસર્ચ સેન્ટરના અહેવાલમાં જાણવા મળ્યું છે કે વંશીય લઘુમતીના લોકોને કોરોનાવાયરસથી ગંભીર રીતે બીમાર થવાનું જોખમ વધારે છે.

વડા પ્રધાનની ગેરહાજરીમાં સોમવારે સવારે દૈનિક કોરોનાવાયરસ ઇમરજન્સી કમીટીની બેઠકનુ અધ્યક્ષ સ્થાન તેમના ડેપ્યુટી ડોમિનિક રાબે સંભાળ્યુ હતુ. ફોરેન સેક્રેટરી રાબે દૈનિક પ્રેસ બ્રીફિંગમાં કહ્યું હતુ કે ‘તેઓ ઇનચાર્જ છે. વડા પ્રધાન તેમના ડૉક્ટર પાસેથી તબીબી સલાહ લેશે. મેં શનિવારથી મિસ્ટર જ્હોન્સન સાથે વ્યક્તિગત રીતે વાત કરી નથી.’’

હાઉસિંગ સેક્રેટરી રોબર્ટ જેનરીકે કહ્યું હતું કે ‘’હોસ્પિટલમાં દાખલ થતા લોકોની સંખ્યા સ્થિર રહેશે તો આવતા અઠવાડિયાઓમાં યુકેના લોકડાઉનને સરળ બનાવવા અંગે વિચારણા કરાશે. એવી આશંકા છે કે લાંબા ક્વોરેન્ટાઇનથી અર્થતંત્રને કાયમી નુકસાન પહોંચે તેમ છે અને એનએચએસ અત્યાર સુધી સારી રીતે સામનો કરી રહ્યું છે.’’

અગ્રણી વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી છે કે યુકે એન્ટિબોડી ટેસ્ટ માટે ઓછામાં ઓછો તેઓ એક મહિનો દૂર છે. પહેલેથી તપાસવામાં આવેલી બધી કીટે ‘સારી કામગીરી બજાવી નથી’ અને તે વાપરવા યોગ્ય નથી. અમેરિકાના નોર્થ કેરોલાઇનાની એક પેઢીના એક એન્ટી બોડી ટેસ્ટને ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (એફડીએ) તરફથી મંજૂરી મળ્યા પછી યુએસએ દ્વારા ગયા અઠવાડિયે તેનો પ્રથમ એન્ટિબોડી ટેસ્ટ કરાયો હતો જેનુ રીઝલ્ટ 93.8 ટકા સચોટ હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

ઇટાલી, સ્પેન અને જર્મની સહિતના યુરોપના દેશોમાં મૃત્યુ દરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. જર્મની આ પહેલા જ રોગચાળામાં ટોચ પર પહોંચી ચૂક્યુ છે અને માત્ર 1,600 લોકોનાં મોત થયા છે. ચીફ મેડિકલ ઑફિસર ક્રિસ્ટ વ્હીટી સેલ્ફ આઇસોલેશનમાંથી બહાર આવ્યા છે અને કાર્યરત છે. પરંતુ ચિંતાજનક આંકડા દર્શાવે છે કે ફ્રાન્સ અને ઇટાલી કરતા યુકેનો કોરોનાવાયરસ રોગચાળો આગળ નીકળી ગયો હતો.

આરોગ્ય સચિવ મેટ હેન્કોકે ધમકી આપી હતી કે જો લોકો સામાજિક અંતરના પગલાંનો ભંગ કરશે તો લોકોનો બહાર કસરત કરવાનો અધિકાર પણ રદ કરશે. વડા પ્રધાનના પ્રવક્તાએ પણ જણાવ્યુ હતુ કે જાહેરમાં સૂર્યસ્નાન કરવાની મંજૂરી નથી માત્ર આવશ્યક હિલચાલને મંજૂરી આપવામાં આવી છે.