દેશના પૂર્વ વડાપ્રધાન અને કોંગ્રેસી નેતા મનમોહન સિંહને દિલ્હી ખાતે આવેલી એઈમ્સ હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે. છાતીમાં દુખાવાની ફરિયાદ બાદ તેમને રાતે 8:45 કલાકે દાખલ કરવામાં આવ્યા હતા અને કાર્ડિયો-થોરેસિક વોર્ડમાં મોનિટરીંગમાં રાખવામાં આવ્યા છે.

જાણવા મળ્યા મુજબ મનમોહન સિંહને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી અને તેમને ગભરામણ અનુભવાઈ રહી હતી જેથી હોસ્પિટલમાં દાખલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. સિંહના નજીકના સૂત્રોએ હાલ ચિંતાનું કોઈ કારણ નથી અને તેમની તબિયત સ્થિર છે તેવી માહિતી આપી હતી.

રાજસ્થાન રાજ્યસભાના વર્તમાન સદસ્ય તેવા 87 વર્ષીય મનમોહન સિંહને કાર્ડિયોલોજીના પ્રોફેસર ડોક્ટર નીતિશ નાયકના મોનિટરીંગમાં રાખવામાં આવ્યા છે. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે ટ્વિટમાં લખ્યું હતું કે, “પૂર્વ પીએમ ડો. મનમોહન સિંહને એઈમ્સમાં ભરતી કરવામાં આવ્યા છે તે જાણીને ખૂબ ચિંતિત છું. હું તેમના શીઘ્ર સ્વાસ્થ્ય લાભની કામના કરૂં છું અને તેમના સારા સ્વાસ્થ્ય, લાંબા જીવનની પ્રાર્થના કરૂં છું.”

તે સિવાય મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કમલનાથ, જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લા, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને કોંગ્રેસના ટ્વિટર હેન્ડલ પરથી વરિષ્ઠ કોંગ્રેસી નેતાને સારા સ્વાસ્થ્યનો સંદેશો પાઠવવામાં આવ્યો હતો. ડો. મનમોહન સિંહ દેશના 13મા વડાપ્રધાન તરીકે સેવા આપી ચુક્યા છે.

મે 2004થી મે 2014 સુધી સતત 10 વર્ષ તેમણે દેશના વડાપ્રધાન તરીકે પોતાની સેવાઓ આપી હતી. આ ઉપરાંત પીવી નરસિંહ રાવની સરકારમાં તેઓ નાણાં મંત્રી પણ રહી ચુક્યા છે. જૂન 1991થી મે 1996 સુધી દેશના 22મા નાણાં મંત્રી તરીકે તેમણે પોતાની સેવાઓ આપી હતી અને તેઓ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના 15મા ગવર્નર પણ રહી ચુક્યા છે.