રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ દેશના અર્થતંત્રને મુશ્કેલ સમયમાં ઉગારવા માટે વિરાટ પગલાં લીધા છે જે સરાહનીય છે તેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે. પીએમ મોદીએ કોરોના વાયરસની મહામારી વચ્ચે દેશના લથડી રહેલા અર્થતંત્રને સુરક્ષિત રાખવા માટે આરબીઆઈ ગર્વનર શક્તિકાંત દાસ દ્વારા લેવાયેલા મહત્વના નિર્ણયોની પ્રશંસા કરી હતી.

આરબીઆઈએ રેપો રેટ 0.75 ટકા ઘટાડીને 4.45 ટકા કર્યો હતો જ્યારે રિવર્સ રેપો રેટને 0.90 ટકા ઘટાડીને 4 ટકા કરવાની જાહેરાત કરી હતી. આ ઉપરાંત આરબીઆઈએ તમામ બેન્કોને આગામી ત્રણ મહિના સુધી તમામ પ્રકારની ટર્મ લોન તેમજ વર્કિંગ કેપિટલ પરના ઈએમઆઈ હોલ્ડ કરવા જણાવ્યું હતું.

આરબીઆઈએ કરેલી જાહેરાતને પગલે જીડીપીના ત્રણ ટકા અર્થાત 3.24 લાખ કરોડની પ્રવાહિતા નાણા વ્યવસ્થામાં આવશે. પીએમ મોદીએ આ પગલાંને બિરદાવતા જણાવ્યું કે, ‘કોરોના વાયરસની મહામારીમાં સમગ્ર વિશ્વ સપડાયું છે ત્યારે આરબીઆઈએ ભારતીય અર્થવ્યવસ્થાને બચાવવા માટે વિરાટ પગલાં લીધા છે. આ જાહેરાતને પગલે પ્રવાહિતા સુધરશે, ધિરાણ પરનો ખર્ચ ઘટશે, મધ્યમવર્ગ અને ઉદ્યોગવર્ગને મદદરૂપ થશે.’

દેશમાં કોરોના વાયરસનો પોઝિટિવ આંકડો 724 થયો છે તેમજ કુલ મૃત્યુઆંક 17 પર પહોંચ્યો છે. દેશમાં કોરોના વાયરસને નાથવા માટે વડાપ્રધાન મોદીએ બુધવારથી સમગ્ર દેશમાં 21 દિવસના લોકડાઉનની જાહેરાત કરી હતી. લોકડાઉનના પ્રથમ દિવસે દેશમાં આવશ્યક ચીજવસ્તુઓ માટે લોકોના ટોળ વળતા જોવા મળ્યા હતા જો કે તમામ આવશ્યક ચીજો સરળતાથી ઉપલબ્ધ થઈ રહેવાની સરકારની જાહેરાતને પગલે બીજા દિવસથી લોકોમાં સંયમ જણાયો હતો.