H-1B

અમેરિકન પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના એડમિનિસ્ટ્રેશને ટેરિફ પછી હવે વિઝાના મુદ્દે ભારતીયોને સકંજામાં લીધા છે. તંત્રએ H1-Bના નિયમોમાં ફેરફાર કરીને વિઝા ફી 10 ગણા વધારીને રૂ. 88 લાખ કરી છે. આ નવી ફી કંપનીઓના ખર્ચમાં નોંધપાત્ર વધારો કરી શકે છે. વધુમાં, ભારતીય પ્રોફેશનલ્સને અમેરિકામાં નોકરી શોધવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.
ટ્રમ્પના આ નિર્ણય અંગે વ્હાઇટ હાઉસના સ્ટાફ સેક્રેટરી વિલ શાર્ફે જણાવ્યું હતું કે, આ પગલું અમેરિકન નોકરીઓનું રક્ષણ કરવા અને વિઝા સીસ્ટમના દુરુપયોગને રોકવા માટે લેવાયું છે. તેમણે જણાવ્યું હતું કે H-1B વિઝાનો વિશ્વમાં સૌથી વધુ દુરુપયોગ થાય છે. તેથી, ફક્ત ઉચ્ચ કુશળ વ્યક્તિઓને જ દેશમાં પ્રવેશવાની મંજૂરી મળશે. અમેરિકાના આ પગલાથી અમેરિકામાં વસતાં ભારતીયોને સૌથી વધુ અસર થશે. આ ફેરફારથી અમેરિકામાં ભારતીય IT એન્જિનિયરોની નોકરીઓ પર જોખમ ઊભું થશે. નાણાકીય વર્ષ 2023-24માં બે લાખથી વધુ ભારતીયોએ H1-B વિઝા મેળવ્યા હતા. ગયા વર્ષે H-1B વિઝાનો સૌથી મોટો લાભાર્થી ભારત હતો. બ્લૂમબર્ગના રીપોર્ટ મુજબ, 2020 અને 2023 વચ્ચે મંજૂર થયેલા વિઝામાં ભારતીયોનો હિસ્સો 73.7% હતો. ચીન 16% સાથે બીજા ક્રમે હતું. કેનેડા 3% સાથે ત્રીજા ક્રમે, ત્યારબાદ તાઇવાન (1.3%), સાઉથ કોરિયા (1.3%), મેક્સિકો (1.2%), નેપાળ, બ્રાઝિલ, પાકિસ્તાન અને ફિલિપાઇન્સ ( 0.8%) આવે છે.
નવા આદેશ મુજબ વિદેશી પ્રોફેશનલ્સને નોકરી પર રાખતી કંપનીઓએ હવે દર વર્ષે સરકારને એક લાખ ડોલરની ફી ચૂકવવી પડશે. આ ફી ત્રણ વર્ષના વિઝા અને તેના રીન્યુઅલ પર લાગુ થશે. એટલે કે, જો ગ્રીન કાર્ડ પ્રક્રિયા લાંબી થશે તો કંપનીઓએ ઘણા વર્ષો સુધી આવી ભારે ફી ચૂકવવી પડશે. આનાથી કંપનીઓ ભારતીય કર્મચારીઓને નોકરી પર રાખવાનું ટાળી શકે છે અને અમેરિકન યુવાનોને નોકરી પર રાખવાનું પ્રાથમિકતા આપી શકે છે.

આ ફેરફાર ભારતીય વિદ્યાર્થીઓ માટે અમેરિકન શિક્ષણ ઓછું આકર્ષક બનાવી શકે છે. ઇન્ફોસિસ, ટીસીએસ અને વિપ્રો જેવી કંપનીઓ પર નોંધપાત્ર અસર થશે, જેમણે પરંપરાગત રીતે યુએસ ક્લાયન્ટ પ્રોજેક્ટ્સમાં જુનિયર અને મિડ-લેવલ એન્જિનિયરોને મોકલવા અને કૌશલ્ય વિકાસ માટે H-1B વિઝાનો ઉપયોગ કર્યો છે.
યુએસ તંત્ર દર વર્ષે વિવિધ કંપનીઓને 65,000-85,000 H-1B વિઝા આપે છે. આ ઉપરાંત યુએસ સરકાર એડવાન્સ ડિગ્રી ધારકો માટે કંપનીઓને વધારાના 20,000 વિઝા આપે છે. આ વિઝા ત્રણ વર્ષ માટે માન્ય છે અને તેને વધુ ત્રણ વર્ષ માટે રીન્યુ કરી શકાય છે. H-1B વિઝાનો ઉપયોગ કરતી કંપનીઓમાં ઇન્ફોસિસ, તાતા કન્સલ્ટન્સી સર્વિસીસ, એમેઝોન, આલ્ફાબેટ અને મેટા જેવી મોટી કંપનીઓનો સમાવેશ થાય છે.

LEAVE A REPLY