સાયન્સ સિટી ખાતેની નવનિર્મિત એક્વેટિક ગેલેરી(PTI Photo)

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવાર, 16 જુલાઇ નવનિર્મિત ગાંધીનગર રેલવે સ્ટેશન, અમદાવાદમાં સાયન્સ સિટીમાં બનાવાયેલા રોબોટિક ગેલેરી, એક્વેરિયમ તેમજ નેચર પાર્ક સહિતના રૂ. 1,100 કરોડના આઠ મોટા પ્રોજેક્ટ્સનું વર્ચુઅલ લોકાર્પણ કર્યું હતું. આ ઉપરાંત ગાંધીનગર રેલવે સ્ટેશન ખાતે 318 રૂમની ક્ષમતા સાથેની 5 સ્ટાર હોટલ તથા વડનગરના રેલવે સ્ટેશનનું પણ લોકાર્પણ કર્યું હતું. તેમણે વડનગરથી વારાણસી સુપર ફાસ્ટ ટ્રેનને પણ લીલીઝંડી બતાવી હતી.

વડાપ્રધાને મોદીએ સૌને મજામાં? કહીને સંબોધન શરૂ કર્યું હતું. અમદાવાદ ખાતેના સાયન્સ સિટી વિશે વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે રોબોટ્સ અને ડાયનોસોરના રમકડાં માગતા બાળકો હવે તેમને સાયન્સ સિટીમાં જોઈને રાજી થશે. તેની એક્વેટિક ગેલેરી એશિયાના સૌથી ટોચના એક્વેરિયમમાં સામેલ છે. સાયન્સ સિટીમાં રોબોટિક ગેલેરી જોઈને વિદ્યાર્થીઓ રોબોટિક્સનો અભ્યાસ કરવા માટે પ્રેરાશે.

દેશભરમાં રેલ કનેક્ટિવિટી મજબૂત બની હોવાનું જણાવતા વડાપ્રધાને કહ્યું હતું કે ગાંધીનગર-વારાણસી વચ્ચે ટ્રેન શરુ થવાથી સોમનાથ અને વિશ્વનાથની ભૂમિ એકબીજા સાથે જોડાઈ છે. સરકાર રેલવેને માત્ર એક સેવા તરીકે નહીં પરંતુ સંપત્તિ તરીકે વિકસાવી રહ્યા છીએ. આગામી દિવસોમાં ફ્રેઈટ કોરિડોર કાર્યરત બનશે અને તેનાથી માલગાડીઓની સ્પીડ પણ વધશે. દેશના દરેક મોટા શહેરોના રેલવે સ્ટેશનોને આધુનિક બનાવવામાં આવશે.