પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

ભારતની રાજધાની દિલ્હી વિશ્વનું સૌથી પ્રદૂષિત શહેર તરીકે ઉભરી આવ્યું છે. વધુ ચિંતાજનક બાબત એ છે કે જો પ્રદૂષણનું વર્તમાન સ્તર ચાલુ રહેશે તો તેના રહેવાસીઓ 11.9 વર્ષનું જીવન ગુમાવશે. હવાના પ્રદૂષણને કારણે ભારતના લોકોના સરેરાશ આયુષ્ચમાં 5.3 ટકાનો ઘટાડો થાય છે.  શિકાગો યુનિવર્સિટી ખાતેની એનર્જી પોલિસી ઇન્સ્ટિટ્યૂટે જારી કરેલા એર ક્વોલિટી લાઇફ ઇન્ડેક્સ (AQLI)ના આ ચોંકાવનારા તારણો છે.

અભ્યાસમાં જણાવાયું છે કે ભારતના તમામ 1.3 અબજ લોકો એવા વિસ્તારોમાં રહે છે કે જ્યાં રજકણોનું વાર્ષિક સરેરાશ પ્રદૂષણ સ્તર વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) દ્વારા નિર્ધારિત 5 µg/m3 મર્યાદા કરતાં વધી જાય છે. વધુમાં દેશની વસ્તીના 67.4 ટકા લોકો એવા વિસ્તારોમાં રહે છે કે જ્યાં હવાની ગુણવત્તા દેશના પોતાના હવાની ગુણવત્તાના રાષ્ટ્રીય ધોરણ 40 µg/m3 કરતાં ખરાબ છે. ફાઈન પાર્ટિક્યુલેટ એર પોલ્યુશન (PM2.5) ભારતીય લોકોના સરેરાશ આયુષ્યમાં 5.3 વર્ષનો ઘટાડો કરે છે. આ સરખામણી WHO દ્વારા નિર્ધારિત 5 µg/m3 પ્રદૂષણ મર્યાદા આધારિત છે.

AQLIએ જણાવ્યું હતું કે દિલ્હી વિશ્વનું સૌથી પ્રદૂષિત શહેર છે, જ્યાં તેના 1.8 કરોડ રહેવાસીઓ WHO મર્યાદાની તુલનામાં સરેરાશ 11.9 વર્ષનું આયુષ્ય ગુમાવશે. જો વર્તમાન પ્રદૂષણનું સ્તર ચાલુ રહેશે તો પ્રદૂષણની રાષ્ટ્રીય માર્ગદર્શિકાની તુલનામાં લોકોના આયુષ્યમાં સરેરાશ 8.5 ટકાનો ઘટાડો થશે.

સૌથી ઓછા પ્રદૂષિત જિલ્લા પંજાબના પઠાણકોટમાં પણ રજકણોનું પ્રદૂષણ WHOની મર્યાદા કરતાં સાત ગણા કરતાં વધુ છે, જો પ્રદૂષણ વર્તમાન સ્તર ચાલુ રહે તો આયુષ્યમાં 3.1 વર્ષનો ઘટાડો થશે. ઉત્તર ભારતમાં રજકણોના પ્રદૂષણને ભૌગોલિક અને હવામાનશાસ્ત્રીય પરિબળો વેગ મળ્યો છે. જોકે તેમાં માનવીય પ્રવૃત્તિઓ પણ મોટી ભૂમિકા ભજવે છે. આનું બીજુ કારણ એ છે કે આ વિસ્તારની વસ્તીની ગીચતા દેશના બાકીના ભાગોની સરખામણીમાં આશરે ત્રણ ગણી વધું છે. આનો અર્થ એવો થાય છે કે આ પ્રદેશમાં વાહનો, રહેણાંક અને કૃષિ સ્રોત્રમાંથી વધુ પ્રદૂષણ ઊભું થાય છે.

પ્રદૂષણથી વિશ્વભરના લોકોના આયુષ્યને અસર થાય છે, પરંતુ બાંગ્લાદેશ, ભારત, પાકિસ્તાન, ચીન, નાઈજીરીયા અને ઈન્ડોનેશિયા સહિતના છ દેશોને સૌથી વધુ અસર થાય છે. આ દેશોમાં હવાના પ્રદૂષણને કારણે લોકોના આયુષ્યમાં સરેરાશ છ વર્ષનો ઘડાડો થાય છે.

LEAVE A REPLY