દોષિત સિસ્ટમ હોવાના કારણે ચોરી, છેતરપિંડી અને ખોટા હિસાબો રજૂ કરવાના આરોપો બદલ બ્રિટિશ ઇતિહાસમાં એકમાત્ર સૌથી મોટા કેસમાં ખોટી રીતે દોષિત જાહેર કરાયેલા 39 ભૂતપૂર્વ સબપોસ્ટમાસ્ટર્સ અને સબપૉસ્ટમીસ્ટ્રેસને અપીલ કોર્ટ દ્વારા તા. 23ના રોજ દોષ મુક્ત જાહેર  કરવામાં આવતા ભૂતપૂર્વ સબપોસ્ટમાસ્ટર્સ અને તેમના પરિવારોએ રાહતનો શ્વાસ લીધો છે.

પોસ્ટ ઑફિસની ખામીયુક્ત હોરાઇઝન આઇટી એકાઉન્ટિંગ સિસ્ટમના કારણે ચોરી, છેતરપિંડી અને ખોટા હિસાબ માટે સબપોસ્ટમાસ્ટર્સ અને સબપૉસ્ટમીસ્ટ્રેસને દોષિત ઠેરવવામાં આવ્યા હતા.

આ અંગે નિંદાત્મક લેખિત ચુકાદામાં જજોએ જણાવ્યું હતું કે “દરેક સામે કાર્યવાહીનો સંપૂર્ણ આધાર એ હતો કે તેમની શાખાના ખાતામાંથી પૈસા ગુમ થયા હતા, જે પેટામાસ્ટરની કહેવાતી ચોરીને કારણે થયું હતું. આ કેસોમાં હોરાઇઝનના ડેટા સિવાય અન્ય કોઈ રીતે પૈસા ઉપાડવામાં આવ્યા હોય તેવા કે ખામી હોવાના કોઈ પુરાવા મળ્યા નથી. જો હોરાઇઝન ડેટા વિશ્વસનીય ન હોત, તો કાર્યવાહી ચલાવવાનો કોઈ આધાર નહોતો. ટૂંકમાં, ફરિયાદી તરીકે પોસ્ટ ઓફિસ લિમીટેડે હોરાઇઝનના ડેટાના આધારે સબપોસ્ટમાસ્ટર્સ સામે ગંભીર ગુનાહિત આરોપો લગાવ્યા હતા.’’

ચોરીના આરોપોને કારણે એક પોસ્ટમિસ્ટ્રેસને તો તેના પુત્રના દસમા જન્મદિવસના દિવસે જેલમાં મોકલવામાં આવ્યા હતા. સીમા મિશ્રાએ જણાવ્યું હતું કે ‘’2010માં સરે પોસ્ટ ઑફિસમાંથી £78,000ની ચોરી બદલ દોષી જાહેર કરી મને 15 મહિનાની જેલની સજા ફટકારવામાં આવી હતી. મેં બધું ગુમાવ્યું હતું.’’

હલમાં પોસ્ટ ઑફિસ ચલાવતા જેનેટ સ્કિનરનું જીવન “નાશ પામ્યું” હતું. તેમને 2007માં £59,000ની ચોરી બદલ નવ મહિનાની જેલ કરવામાં આવી હતી.

બીજા એક કેસમાં ચાર વર્ષ પહેલાં 67 વર્ષની ઉંમરે, કેન્સરથી મૃત્યુ પામેલા વુસ્ટરશાયરના રેડિચના જુલિયન વિઝનને એક દોષિત ગુનેગાર તરીકે પોતાની વર્ષોની પ્રતિષ્ઠાને પુન:સ્થાપિત કરવા માટે તેમના જીવનના છેલ્લા દાયકામાં લડવાની ફરજ પડી હતી. તેઓ £27,000ના ખોટા હિસાબ માટે દોષી સાબિત થયા હતા.

પોસ્ટ ઑફિસ દ્વારા 1999માં તમામ શાખાઓમાં ક્ષતિપૂર્ણ હોરાઇઝન કમ્પ્યુટર સિસ્ટમ સ્થાપિત કરાઇ હતી. જેમાં જણાયેલા દોષને કારણે કેટલાક પૂર્વ પોસ્ટમાસ્ટરો જેલમાં ગયા હતા, તેમના ઘર ગુમાવ્યાં હતા અને સમુદાયો દ્વારા બહિષ્કૃત કરી દેવાયા હતા. કેટલાકને વીમો મળ્યો ન હતો તો કેટલાક  આઘાતના કારણે મૃત્યુ પામ્યા હતા.

ડિસેમ્બર 2019માં સીમાચિહ્ન સમાન સિવિલ ડીસ્પ્યુટમાં પોસ્ટ ઑફિસ આ કૌભાંડથી અસરગ્રસ્ત 550 સબ પોસ્ટમાસ્ટરો અને પોસ્ટમિસ્ટ્રેસને વળતર તરીકે લગભગ £58 મિલીયન ચૂકવવા સંમત થઈ હતી. ધ ક્રિમિનલ કેસીસ રિવ્યુ કમિશને 51 કેસ પાછા કોર્ટમાં મોકલ્યા હતા. ગત વર્ષે સધર્ક ક્રાઉન કોર્ટે છ લોકોને દોષમુક્ત જાહેર કર્યા હતા.

ખામીવાળી હોરાઇઝન સિસ્ટમના પુરાવાઓનો ઉપયોગ કરીને પોસ્ટ ઑફિસ દ્વારા 736 લોકો પર કાયદેસર કાર્યવાહી કરાઇ હતી.

એક નિવેદનમાં પોસ્ટ ઑફિસે દોષિત ઠરાવવા બદલ માફી માંગી છે. પોસ્ટ ઑફિસના અધ્યક્ષ ટિમ પાર્કરે કહ્યું હતું કે “ઐતિહાસિક નિષ્ફળતાના કારણે પોસ્ટ માસ્ટર્સ અને તેમના પરિવારોના જીવન પર પડેલા પ્રભાવ માટે પોસ્ટ ઑફિસ ભારે દિલગીર છે.