લંડનમાં 23 એપ્રિલ 2021ના રોજ કોર્ટના આદેશ બાદ રોયલ કોર્ટ ઓફ જસ્ટિસની બહાર ભૂતપૂર્વ સબપોસ્ટરમાસ્ટર્સે ઉજવણી કરી હતી. કોર્ટે ચોરી અને એકાઉન્ટમાં ગેરરીતિના આરોપમાં સબપોસ્ટમાસ્ટરને નિર્દોષ જાહેર કર્યા હતા.(Photo by TOLGA AKMEN/AFP via Getty Images)

સંસદની બિઝનેસ, એનર્જી અને ઇન્ડસ્ટ્રીયલ સેટ્રેટેજી કમીટીના સાંસદોએ કંપનીની કોમ્પ્યુટર એકાઉન્ટિંગ સિસ્ટમમાં ભૂલોના પરિણામે ખોટી રીતે દોષિત ઠેરવવામાં આવેલા પોસ્ટ ઓફિસના ભૂતપૂર્વ ઓપરેટરોને સમાધાન કરવામાં લાગતા સમય અંગે ચિંતા વ્યક્ત કરી ભોગ બનેલા કામદારોને વળતરની ચૂકવણી ઝડપથી કરવાની માંગ કરી હતી.

તેમણે ચેતવણી આપી છે કે લાંબા સમયથી ચાલતા કૌભાંડથી પ્રભાવિત ઘણા ભૂતપૂર્વ પોસ્ટ ઓફિસ કામદારો વૃદ્ધ થઇ ગયા છે, કેટલાક નિવારણની રાહ જોતા મૃત્યુ પામ્યા છે, જ્યારે અન્ય લોકો તેમના ઘર ગુમાવવાનું જોખમ રહેલું છે.

કમીટીએ 2020માં હોરાઇઝન આઇટી કૌભાંડ વિશે સુનાવણી કરવાનું શરૂ કર્યું હતું  જે બ્રિટિશ કાયદાકીય ઇતિહાસમાં ન્યાયની સૌથી મોટી કસુવાવડ બની હતી. તેમણે હવે વચગાળાનો અહેવાલ પ્રકાશિત કર્યો છે. કૌભાંડની જાહેર તપાસ ચાલી રહી હોવાથી કમિટીએ તેની સુનાવણી અટકાવી દીધી છે.

હાઇકોર્ટના નિવૃત્ત જજ સર વિન વિલિયમ્સની અધ્યક્ષતાવાળી તાજેતરની ઇન્કવાયરી દરમિયાન પોસ્ટ ઓફિસ કર્મચારીઓની જુબાની સાંભળવામાં આવી રહી છે.

2000 અને 2014ની વચ્ચે, પોસ્ટ ઑફિસે 736 પોસ્ટ ઑફિસ ઑપરેટરો સામે કાર્યવાહી કરી હતી. 555 ભૂતપૂર્વ કામદારોના જૂથે ડિસેમ્બર 2019માં પોસ્ટ ઓફિસ સામે હાઇ કોર્ટની લડાઈ જીતી હતી. ત્યારથી ડઝનબંધ ભૂતપૂર્વ પોસ્ટ ઓફિસ કામદારોને અપીલની અદાલત દ્વારા ચોરી, છેતરપિંડી અને ખોટા એકાઉન્ટિંગ માટે તેમની સજા રદ કરવામાં આવી છે.