ગુજરાતની બે દિવસની મુલાકાતે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભૂજ ખાતેની જનસભામાં કચ્છમાં સિંદૂર વનનું નિર્માણ કરવાની સોમવારે જાહેરાત કરી હતી.
પાકિસ્તાન સામેના 1971ના યુદ્ધનો ઉલ્લેખ કરીને વડાપ્રધાને જણાવ્યું હતું કે ભારત પાકિસ્તાન વચ્ચેના આ યુદ્ધમાં કચ્છની સરહદ પરના એરફોર્સના રન-વેને નુકસાન થયું હતું, ત્યારે માધાપરની મહિલાઓએ બોમ્બમારા વચ્ચે માત્ર ૭૨ કલાકના ટૂંકા સમયમાં રન-વે તૈયાર કરી દીધો હતો. જે રન-વે પરથી ઉડાન ભરી ભારતીય એરફોર્સે પાકિસ્તાનને યુદ્ધમાં પછડાટ આપી હતી. આજે મને એ મહિલાઓના આશીર્વાદ મળ્યા છે. તેમણે મને સિંદૂરનો છોડ અર્પણ કર્યો છે, જે છોડ થકી આજે કચ્છની અંદર સિંદૂર વનનું પણ નિર્માણ કરવામાં આવશે. ભારતની લડાઈ સરહદ પારના આતંકવાદ અને તેને પ્રોત્સાહન આપનારા સામે છે.
વડાપ્રધાન મોદી કચ્છમાં રૂ.૨૩૨૬ કરોડના ૧૮ વિકાસ પ્રોજેટ્ક્સનું લોકાર્પણ તથા રૂ.૫૧,૦૮૮ કરોડના ૧૫ પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો હતો.
