(Photo by Lintao Zhang/Getty Images)

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 31 ઓગસ્ટથી 1 સપ્ટેમ્બર દરમિયાન તિયાનજિન શહેરમાં શાંઘાઈ કો-ઓપરેશન ઓર્ગેનાઇઝેશન (SCO)ની પ્રાદેશિક સમીટમાં હાજરી આપવા માટે ચીનની મુલાકાત લેશે. અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત પર લાદવામાં આવેલી જંગી ટેરિફ વચ્ચે વડાપ્રધાન મોદી ચીનની મુલાકાતે જઈ રહ્યાં છે.

વડાપ્રધાન મોદીની આ મુલાકાત ભારત અને ચીનના સંબંધોને સામાન્ય બનાવવા માટેનું એક વધુ પગલું છે. 2020માં ગલવાન ખીણમાં ભારત અને ચીનના સૈનિકોની અથડામણ પછી બંને દેશો વચ્ચે સંબંધો વણસ્યા હતાં. જોકે હવે નવા વૈશ્વિક સમીકરણ વચ્ચે ભારત-ચીનના સંબંધોમાં સુધારો થવાની ધારણા છે.

ચીનની મુલાકાત દરમિયાન વડાપ્રધાન મોદી રશિયન પ્રેસિડન્ટ પુતિન અને ચીનના પ્રેસિડન્ટ શી જિનપિંગ સાથે દ્વિપક્ષીય મુલાકાતો કરશે.

પીએમ મોદીએ છેલ્લાં 2019માં ચીનની મુલાકાત લીધી હતી. જોકે ઓક્ટોબર 2024માં કઝાનમાં બ્રિક્સ સમિટ દરમિયાન ચીનના પ્રેસિડન્ટ શી જિનપિંગને મળ્યા હતાં.

રશિયાના ક્રૂડઓઇલની ખરીદી માટે અમેરિકાના પ્રેસિડન્ટ ટ્રમ્પે ભારત પર જંગી ટેરિફ લાદી છે ત્યારે મોદીની ચીન મુલાકાતનું વિશેષ મહત્ત્વ છે.

ચીનના વિદેશ મંત્રાલય અનુસાર, 20થી વધુ દેશોના નેતા અને 10 આંતરરાષ્ટ્રીય સંગઠનોના પ્રમુખ એસસીઓ શિખર સંમેલન અને સંબંધિત કાર્યક્રમોમાં ભાગ લેશે.

અમેરિકાએ એપ્રિલમાં ટેરિફ વોર ચાલુ કર્યા પછી ચીન ભારત સાથે વેપાર સંબંધો સુધારવા માટે પ્રયાસ કરી રહ્યું છે. ભારતે પણ તેને સકારાત્મક સંકેત આપ્યો છે. ચીનની સરકારે અવારનવાર ભારત સાથે વેપાર સંબંધો સુધારવાના નિવેદનો આપ્યા છે. તાજેતરમાં એસસીઓ ફોરેન મિનિસ્ટર્સ મીટિંગમાં ભાગ લેવા ભારતના વિદેશ પ્રધાન એસ જયશંકર બેઈજિંગ ગયા હતાં.

ચીનમાં યોજાનારા SCO સંમેલનમાં ભાગ લેતાં પહેલાં વડાપ્રધાન મોદી જાપાનની મુલાકાત કરશે. 30 ઓગસ્ટના રોજ તેઓ જાપાનના વડાપ્રધાન ફુમિયો કિશિદા સાથે વાર્ષિક શિખર સંમેલનમાં ભાગ લેશે.

LEAVE A REPLY