અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયન ક્રૂડ ઓઇલની સતત ખરીદીની પેનલ્ટી તરીકે ભારત પર વધુ 25 ટકા ટેરિફ લાદવાની બુધવાર, 6 ઓગસ્ટે જાહેરાત કરી હતી અને રશિયા પાસેથી સીધી કે આડકતરી રીતે ક્રૂડ ઓઇલની ખરીદી કરતાં દેશો સામે આવા પગલાં લેવાની પણ ધમકી આપી હતી. ટ્રમ્પની આ નવી ડ્યૂટીની સાથે ભારત પરની ટેરિફ 50 ટકા થઈ છે. તેનાથી ભારત માટે અમેરિકામાં નિકાસ કરવાનું લગભગ અશક્ય બન્યું છે.
ભારત પરની પેનલ્ટી એટલે કે ટેરિફ 21 દિવસમાં અમલમાં આવશે. વધારાના ટેરિફનો અર્થ એ છે કે ભારતને બ્રાઝિલની સાથે સૌથી વધુ ટેરિફનો સામનો કરવો પડશે, જેના કારણે તે વિયેતનામ અને બાંગ્લાદેશ જેવા પ્રાદેશિક સ્પર્ધકો સામે ભારતની મોટું નુકસાન થશે. જોકે, ઇલેક્ટ્રોનિક્સ અને ફાર્મા જેવા કેટલાક મુખ્ય ક્ષેત્રોને આ વધારાના દરમાંથી મુક્તિ આપવામાં આવી છે.
બુધવારે હસ્તાક્ષર કરાયેલા એક એક્ઝિક્યુટિવ ઓર્ડરમાં ટ્રમ્પે જણાવ્યું હતું કે મને લાગે છે કે ભારત સરકાર હાલમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે રશિયન ફેડરેશનના તેલની આયાત કરી રહ્યું છે. તેથી ભારતમાંથી આયાત થતી વસ્તુઓ પર એડ વેલોરમ ડ્યુટી લાદવી જરૂરી છે.
અગાઉના દિવસે ટ્રમ્પે જણાવ્યુ હતું કે ભારત સારો વેપારી ભાગીદાર દેશ રહ્યો નથી… અમે 25 ટકા ટેરિફ પર સમાધાન કર્યું છે, પરંતુ મને લાગે છે કે હું આગામી 24 કલાકમાં તેમાં નોંધપાત્ર વધારો કરીશ કારણ કે તેઓ રશિયન તેલ ખરીદી રહ્યા છે.
30 જુલાઈના રોજ ટ્રમ્પે ભારતને રશિયા પાસેથી તેલ અને લશ્કરી સાધનો ખરીદવાનું ચાલુ રાખવા બદલ પેનલ્ટી ઉપરાંત 25 ટકા ટેરિફ ચૂકવવાનો આદેશ આપ્યો હતો. જોકે તે સમયે આ પેનલ્ટી શું હશે તેની સ્પષ્ટતા કરી ન હતી. 30 એપ્રિલે ટ્રમ્પે સોશિયલ મીડિયા પોસ્ટમાં ભારતને “મિત્ર” ગણાવીને જણાવ્યું હતું કે ભારત અમારો મિત્ર છે, પરંતુ વર્ષોથી અમે તેમની સાથે પ્રમાણમાં ઓછો વેપાર કર્યો છે, કારણ કે તેમના ટેરિફ ખૂબ ઊંચા છે, જે વિશ્વમાં સૌથી વધુ છે અને તેમની પાસે સૌથી વધુ કઠોર અને ઘૃણાસ્પદ બિન-નાણાકીય વેપાર અવરોધો છે. આ ઉપરાંત ભારત હંમેશા રશિયા પાસેથી તેમના મોટાભાગના લશ્કરી સાધનો ખરીદે છે અને ચીન સાથે રશિયાની ઊર્જાનો સૌથી મોટા ખરીદદાર દેશ છે. રશિયામાં યુક્રેનમાં હત્યાકાંડ બંધ કરે તેવું દરેક ઇચ્છે ત્યારે ભારત અને ચીન મોટાપાયે ક્રૂડ ઓઇલની ખરીદી કરી રહ્યાં છે. આ બધું સારું નથી! તેથી ભારત 1 ઓગસ્ટથી 25 ટકા ટેરિફ અને દંડ ચૂકવશે.
