દેશમાં લાગુ કરવામાં આવેલા લોકડાઉનને આવતીકાલે 21 દિવસ પુરા થશે. જેના ભાગ રૂપે વડાપ્રધાન મોદી 14 એપ્રિલે સવારે 10 વાગ્યે દેશને સંબોધશે.વડાપ્રધાનના કાર્યાલયે ટ્વીટ કરીને આ અંગેની માહિતી આપી છે. કોરોના વાઈરસ પર આ તેમનું 26 દિવસમાં દેશના નામે ચોથું સંબોધન છે.

વડાપ્રધાન મોદી આવતી કાલે લોકડાઉન વધારવાની જાહેરાત કરી શકે છે. લોકડાઉનને 30 એપ્રિલ સુધી વધારવામાં આવે તેવી શક્યતાઓ છે. આ પહેલા વડાપ્રધાન મોદીઅ તમામ રાજ્યના મુખ્યમંત્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સ દરમિયાન લોકડાઉન વધારવા માટે સહમતી વ્યક્ત કરી હતી.

માનવામાં આવી રહ્યું છે કે તે આ દરમિયાન લોકડાઉન વધારવાની જાહેરાત કરી શકે છે. વડાપ્રધાને શનિવારે મુખ્યમંત્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સ કરી હતી. બેઠકના તરત બાદ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ટ્વીટ કર્યું, ‘વડાપ્રધાને લોકડાઉન વધારવાનો યોગ્ય નિર્ણય લીધો છે.’પશ્વિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પણ એક કલાક બાદ પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું કે, ‘વડાપ્રધાને 30 એપ્રિલ સુધી લોકડાઉન વધારવાના સૂચન પર ચર્ચા કરી હતી. અમે આ નિર્ણયમાં તેમની સાથે છીએ.’

બેઠકમાં વડાપ્રધાને મુખ્યમંત્રીઓને કહ્યું, ‘હું ચોવીસ કલાક, સાત દિવસ ફોન પર ઉપલબ્ધ છું. કોઈ પણ મુખ્યમંત્રી મને સૂચન આપી શકે છે. જાન હૈ તો જહાન હૈ, જ્યારે મેં રાષ્ટ્રના નામે સંદેશ આપ્યો હતો, તો શરૂઆતમાં તો દરેક નાગરિકનો જીવ બચાવવા માટે લોકડાઉન અને સોશ્યસ ડિસ્ટસીંગના પાલન પર જોર આપ્યું હતું.

દેશના મોટાભાગના લોકોએ વાતને સમજી અને લોકડાઉનનું પાલન કર્યુ. હવે ભારતના ભવિષ્ય માટે, સમૃદ્ધ અને સ્વસ્થ ભારત માટે જીવ અને જહાન બન્ને પાસાઓ પર ધ્યાન આપવું જરૂરી છે. જ્યારે દેશનો દરેક વ્યક્તિ જાન અને જહાન પણ બન્નેની ચિંતા કરીને પોતાનું દાયિત્વ નિભાવશે, સરકાર અને પ્રશાસનના દિશા નિર્દેશોનું પાલન કરશે, તો કોરોના વિરુદ્ધ આપણી લડાઈ વધારે મજબૂત બની જશે. ’