પ્રતિક તસવીર (Photo credit should read SAJJAD HUSSAIN/AFP via Getty Images)

બે એશિયન ટેક્સી ડ્રાઈવરે પોતાના પર બળાત્કાર ગુજાર્યો હોવાનો દાવો કરનાર ડરહામની 27 વર્ષીય પ્રિઝન વર્કર વિક્ટોરિયા હોયનેસને જજ જેમ્સ એડકીને 20 મહિનાની જેલની સજા કરી હતી. હોયનેસે પર્વર્ટ ધ કોર્સ ઓફ જસ્ટીસના આરોપો અને પોતાની ફરિયાદ સંપૂર્ણ બનાવટી હોવાનો સ્વીકાર કર્યો હતો.

વિટ્ટન ગિલ્બર્ટ, ડરહામ ગાર્ડન્સ ખાતે રહેતી વિક્ટોરિયાના જુઠ્ઠાણાના પરિણામે પોલીસ દ્વારા તેમની આકરી તપાસ થતા રાજીવ અસગર અને અબ્દુલ રહીમ બંનેની પ્રતિષ્ઠાને અને કામની સંભાવનાને નુકસાન થયું હતું. તેણીએ પ્રથમ કહ્યું હતું કે તેના પર વીસેક વર્ષના એક વ્યક્તિ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો, જેના આધારે અધિકારીઓ સંપૂર્ણ નિર્દોષ અસગરની ધરપકડ કરી હતી. પાછળથી પોલીસે અબ્દુલની પૂછપરછ કરી હતી. જેણે તે રાત્રે તેણીને લિફ્ટ આપી હતી, પરંતુ અબ્દુલે ડેશકેમના ફૂટેજ આપ્યા હતા જેમાં તે ખોટી હોવાનું જણાયું હતું.

કાઉન્ટી ડરહામના એચએમપી ફ્રેન્કલેન્ડમાં સેક્સ અપરાધીઓ સાથે કામ કરનારી હોયનેસ એક મહત્વાકાંક્ષી મૉડેલ હતી. જેણે 2013માં ડરહામના નેક્સ્ટ ટોપ મોડેલમાં પ્રવેશ કર્યો હતો અને તે પછીના વર્ષે મિસ ન્યૂકાસલ બ્યુટી પેજેન્ટમાં ગઇ હતી. તેના વકીલે જણાવ્યું હતું કે તેણીને ‘ધ અનકોન્સીયસનેસ ઓફ અ ડિપ્રેસીવ ઇલનેસ’ નામની બમારી હતી.

કોર્ટમાં જણાવાયું હતું કે ‘’ગયા વર્ષે 26 મેના રોજ પોલીસને મળસ્કે 3.49 કલાકે હોયનેસની માતાનો ફોન આવ્યો હતો જેમાં તેમણે કહ્યું હતું કે ડરહામ નજીક લાન્ચેસ્ટર રોડ હોસ્પિટલની બહાર એશિયન ટેક્સી ડ્રાઇવર દ્વારા તેના પર બળાત્કાર ગુજાર્યો હતો.

પ્રોસીક્યુટર શોન ડોડ્સે જણાવ્યું હતું કે તેણીએ તેના પ્રારંભિક ઇન્ટરવ્યુમાં ડ્રાઇવરનું વર્ણન બદલ્યું હતુ. પોલીસે તે દિવસે ફરજ પરના ડ્રાઈવર અસગર (ઉ.વ. 48)ની ધરપકડ કરી તેનો મોબાઇલ ફોન અને કાર કબજે કરી હતી. જેમાં તેણે ગુનો નકારી બનાવના સમયે તે ક્રૂક જતો હોવાનું જણાવ્યું હતું.

કોર્ટમાં જણાવાયું હતું કે હોયનેસે દારૂ પીધો હતો અને ડ્રગ્સ પણ લીધું હતું. ફોરેન્સિક તપાસમાં માત્ર તેના બોયફ્રેન્ડના ડીએનએ જ મળ્યા હતા. બધું બહાર આવતા તેણીએ બંને ડ્રાઇવરો અને તેમના પરિવારોની માફી માંગી પસ્તાવો વ્યક્ત કર્યો હતો.