અમેરિકા એચ-1બી વિઝા પ્રોગ્રામમાં મહત્વના ફેરફાર કરશે. ફેડરલ રજિસ્ટ્રીમાં ગત સોમવારે પ્રકાશિત નવા નિયમોનો હેતુ ઈમિગ્રેશન સિસ્ટમમાં છેતરપિંડી-દુરુપયોગ રોકવા સુધારા કરવાનો છે. તેનાથી અમેરિકામાં ભણતા ભારતીયોને લાભ થશે. જો કે વિઝાની 60 હજારની સંખ્યા મર્યાદામાં કોઈ ફેરફાર નહીં થાય. આ સુધારા લાગુ કરતા પહેલા ડીપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યોરિટીએ પબ્લિક ઈનપુટ અને ફિડબેક મેળવવાના ઈરાદે તે દરખાસ્ત સ્વરૂપે જાહેર કર્યા છે.
વિદેશી કર્મચારીઓની ક્ષમતા વધુ સારી બનાવવા અને વિદ્યાર્થીઓ, ઉદ્યોગ સાહસિકો તથા નોન-પ્રોફિટ (સેવાભાવી) સંસ્થાઓ માટે કામ કરનારા લોકોને ફ્લેક્સિબિલિટી પૂરી પાડવા અને નોન-ઈમિગ્રન્ટ વર્કર્સ માટે વધુ સારી સ્થિતિ ઊભી કરવાના આશયે આ દરખાસ્ત રજૂ કરાઈ છે. યુએસ સિટિઝનશિપ એન્ડ ઈમિગ્રેશન સર્વિસીસ દ્વારા આ નવા ફેરફારો 23મી ઓક્ટોબરના રોજ ‘ફેડરલ રજિસ્ટર’માં પ્રકાશિત કરવામાં આવ્યા હતા. અમેરિકાના હોમલેન્ડ સિક્યોરિટી વિભાગે આ પ્રસ્તાવ રજૂ કર્યો છે. તેમાં કહેવાયું છે કે આ ફેરફારોથી દુરુપયોગ અને છેતરપિંડીના કિસ્સામાં ઘટાડો થશે. વિભાગે અમેરિકન સીટીઝનશિપ અને ઈમિગ્રેશન સેવાઓના માધ્મયથી પ્રસ્તાવિત નિયમ બનાવવા એક નોટિસ જાહેર કરી છે, જે મુજબ એલિજીબિલીટીને લગતી શરતો સુવ્યવસ્થિત કરવા અને પ્રોગ્રામ એફિશિયન્સીમાં સુધારો કરવા એચ-1બી વિશેષ વ્યવસાય કાર્યકર કાર્યક્રમ આધુનિક બનાવાશે.
અમેરિકન હોમલેન્ડ સિક્યોરિટી વિભાગના સચિવ એલેઝાંદ્રોએ કહ્યું હતું કે બાઈડેન વહીવટીતંત્રની પ્રાથમિક્તા વૈશ્વિક પ્રતિભા આકર્ષિત કરવાની અને એમ્પ્લોયર પરનો બિનજરૂરી બોજ ઘટાડવાની તેમજ ઈમિગ્રેશન સિસ્ટમમાં છેતરપિંડી અને દુરુપયોગ રોકવાની છે.
વર્તમાન પ્રક્રિયામાં કોઈ વ્યક્તી વધુ અરજી કરી પોતાની પસંદગી થવાની શક્યતાઓ વધારે છે. નવા નિયમો પછી આવું નહીં કરી શકાય. અરજી સબમિટ કરનાર વ્યક્તિને માત્ર એક જ વાર પસંદગી પ્રક્રિયામાં સામેલ કરાશે, પછી ભલે તેણે ગમે તેટલી અરજી કરી હોય. આનાથી નોંધણી પ્રક્રિયાનો દુરુપયોગ અટકશે.
આથી વધુ લોકોને તક મળશે. આ સાથે જ નિષ્ણાત પદ માટે એલિજીબિલીટીમાં સુધારો કરાયો છે, જેથી નિર્ણાયકો વચ્ચે પસંદગી અંગે કોઈ ભ્રમ ના રહે. જો કે, જરૂરી ડિગ્રી ક્ષેત્ર વચ્ચે સીધો સંબંધ જરૂરી છે. સાથે જ સ્ટુડન્ટ વિઝા પર ગયેલા વિદ્યાર્થીઓ માટે એચ-૧બી વિઝાની યોગ્યતા પણ ફ્લેક્સિબલ બનાવાઈ છે. આ સિવાય ઊભરતા ઉદ્યોગ સાહસિકો માટે વિઝા એલિજીબિલીટીના નિયમોમાં પણ ફેરફાર કરાશે. રીપોર્ટ્સ મુજબ સૂચિત નિયમોમાં એચ-૧બી હેઠળ મળનારી છૂટનો લાભ નોન-ઈમિગ્રન્ટ સંસ્થાઓ અથવા સરકારી સંશોધન સંગઠનોને પણ આપવા વિચારણા ચાલી રહી છે.
હોમલેન્ડ સિક્યોરિટી વિભાગ ઈમિગ્રેશન પ્રક્રિયાઓમાં સુધારો થાય તેવા નિયમો વિકસાવવા અને લાગુ કરવાનું ચાલુ રાખશે. સૂચિત ફેરફારોથી એલિજીબિલીટને લગતી આવશ્યક્તાઓ સરળ બનાવાશે. આ સુધારાથી અમેરિકામાં કામ કરતા વિદેશી કર્મચારીઓને લાભ થશે.
હોમલેન્ડ સિક્યોરિટી વિભાગે આ સૂચિત નિયમોને જાહેર કર્યા છે, જેથી હિતધારક પક્ષો તેના પર તેમની પ્રતિક્રિયા અને સૂચનો આપી શકે.આ ફેરફારમાં F1 વિઝા ધારક સ્ટુડન્ટ્સ સરળતાથી H1B વિઝામાં અપગ્રેડ થઈ શકશે. એટલે કે F1 વિઝા ધારકો સરળતાથી H1Bમાં સ્વિચ કરી શકશે.
એચ-1બી વિઝા મોટાભાગે ત્રણથી છ વર્ષ માટે એમ્પ્લોયર્સને વિદેશી કર્મચારીઓની ભરતી કરવા માટે ઈશ્યુ કરવામાં આવે છે, પરંતુ ગ્રીન કાર્ડ પ્રક્રિયા શરૂ કરાવી હોય તેવા એચ-1બીધારકો અનિશ્ચિત સમય સુધી  તેમના વર્ક વિઝા રીન્યુ કરાવે છે.

LEAVE A REPLY

five × 5 =