પુડુચેરીમાં સોમવાર, 22 ફેબ્રુઆરી 2021ના રોજ ઓલ ઇન્ડિયા એન આર કોંગ્રેસના વડા અને વિપક્ષના નેતા એન રંગાસામીએ વિધાનસભાના વિશેષ સત્ર બાદ મીડિયા સાથે વાતચીત કરી હતી. પુડુચેરીના મુખ્યપ્રધાન વી નારાયણસામી વિધાનસભામાં પોતાની બહુમતી સાબિત કરી શક્યા ન હતા અને રાજીનામું આપ્યું હતું. (PTI Photo)

કોંગ્રેસના છ ધારાસભ્યોના રાજીનામાને પગલે સંકટમાં મુકાયેલી કેન્દ્ર શાસિતપ્રદેશ પુડુચેરીમાં કોંગ્રેસની સરકારનું આખરે સોમવાર, 22 ફેબ્રુઆરી 2021ના રોજ પતન થયું હતું. વિધાનસભામાં બહુમતી ગુમાવી ચુકેલા મુખ્યપ્રધાન વી. નારાયણસામી રાજ્યના ઉપરાજ્યપાલ (LG)ને રાજીનામું આપ્યું હતું.

અગાઉ ઉપરાજ્યપાલે કોંગ્રેસ સરકારને 22 ફેબ્રુઆરીએ બહુમત સાબિત કરવાનો આદેશ આપ્યો હતો. તેનાથી વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું હતું પરંતુ મુખ્યપ્રધાન બહુમતી સાબિત કરી શક્યા ન હતા અને ગૃહમાંથી વોકઆઉટ કરીને રાજીનામું આપ્યું હતું. પુડુચેરીમાં વિધાનસભાની કુલ બેઠકો 33 છે. તેમાંથી છ ધારાસભ્યોએ રાજીનામું આપ્યા હતા અને એક ધારાસભ્યને અયોગ્ય જાહેર કરાયા હતા. તેથી કુલ સંખ્યા 26 રહી હતી. તેમાંથી બહુમતી માટે 14 ધારાસભ્યોની જરૂર હતી.

વિધાનસભાના વિશેષ સત્રમાં મુખ્યપ્રધાને આક્ષેપ કર્યો હતો કે ભૂતપૂર્વ LG કિરણ બેદી અને કેન્દ્ર સરકારે વિપક્ષ સાથે મળીને સરકારને પાડવાનો પ્રયાસ કર્યો હતા. જો અમારા ધારાસભ્ય અમારી સાથે હોત તો સરકાર પાંચ વર્ષ ચાલી હોત. અમે દ્રમુક અને અપક્ષ ધારાસભ્યોના સમર્થનથી સરકાર બનાવી હતી.