ભારતીય ક્રિકેટ ટીમ સાઉથ આફ્રિકાથી પાછી ફર્યા પછી 25 જાન્યુઆરીથી ઇંગ્લેન્ડ સામે ટેસ્ટ સીરીઝ રમવાની છે. ભારતીય ટીમની જાહેરાત થવાની બાકી છે, ત્યારે ચેતેશ્વર પુજારાએ રણજી ટ્રોફીમાં બેવડી સદી ફટકારીને પસંદગીકારોને મૂંઝવણમાં નાખી દીધા છે.
રાજકોટમાં ઝારખંડ અને સૌરાષ્ટ્ર વચ્ચે રમાઈ રહેલી મેચમાં પુજારાએ મેચના ત્રીજા દિવસે રવિવારે શાનદાર બેટિંગ કરતા અણનમ 243 રન કર્યા હતા. ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં આ તેની 17મી ડબલ સેન્ચુરી છે. તેના શાનદાર દેખાવના પગલે સૌરાષ્ટ્રની ટીમ મેચમાં મજબૂત પકડ જમાવી ચૂકી હતી.

            











