ગુજરાતના ગાંધીનગરમાં 10 જાન્યુઆરીએ મહાત્મા મંદિર ખાતે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ દરમિયાન ડીપી વર્લ્ડના અધ્યક્ષ સુલતાન અહેમદ બિન સુલેમ REUTERS/Amit Dave

યુએઇની ગ્લોબલ લોજિસ્ટિક્સ મેનેજમેન્ટ એન્ડ સર્વિસિસ કંપની ડીપી વર્લ્ડે ગુજરાત સરકાર સાથે રૂ.25,000 કરોડના કરારો કર્યા છે, જેના ભાગરૂપે તે નવા બંદરો, ટર્મિનલ્સ અને ઇકોનોમિક ઝોન વિકસાવશે.

કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024 દરમિયાન ગાંધીનગર ખાતે આ અંગે  મેમોરેન્ડા ઑફ અન્ડરસ્ટેન્ડિંગ (એમઓયુ) પર હસ્તાક્ષર કરાયા હતા. ડીપી વર્લ્ડ ગ્રુપના ચેરમેન અને સીઈઓ સુલતાન અહેમદ બિન સુલેમે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને યુએઈના પ્રમુખ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાનની હાજરીમાં ગુજરાત સરકારના અધિક મુખ્ય સચિવ એમ કે દાસ સાથે ગુજરાતમાં સંભવિત રોકાણ અંગેના કરારો પર હસ્તાક્ષર કર્યા હતા.

આ સમજૂતી હેઠળ ડીપી વર્લ્ડ દક્ષિણ ગુજરાત અને પશ્ચિમ દરિયાકાઠામાં મલ્ટી પર્પઝ ડીપ ડ્રાફ્ટ પોર્ટ વિકસાવશે. જામનગર અને કચ્છમાં સ્પેશિયલ ઈકોનોમિક ઝોન, ગતિ શક્તિ કાર્ગો ટર્મિનલ્સ (GCT) તથા દહેજ, વડોદરા, રાજકોટ, બેડી અને મોરબી ખાતે પ્રાઇવેટ ફ્રેઇટ સ્ટેશન્સ વિકસાવવાની પણ યોજના છે.

ડીપી વર્લ્ડે ગુજરાતના દરિયાકાંઠે વધારાના બંદરો વિકસાવવાની તકો સંયુક્ત રીતે ઓળખવા માટે ગુજરાત મેરીટાઇમ બોર્ડ સાથે એમઓયુ પર પણ હસ્તાક્ષર કર્યા હતા.

આ પ્રસંગે ડીપી વર્લ્ડ ગ્રુપના ચેરમેન અને સીઈઓએ કહ્યું હતું કે “અમે ભારત માટે ખૂબ જ પ્રતિબદ્ધ છીએ, જ્યાં અમે લગભગ 20 વર્ષથી કાર્યરત છીએ. આ સમય દરમિયાન, અમે લગભગ USD 2.5 બિલિયનનું રોકાણ કર્યું છે અને આ પ્રોજેક્ટ્સમાં આગામી ત્રણ વર્ષમાં વધુ રોકાણ કરીશું.

ગુજરાતમાં ડીપી વર્લ્ડના હાલના રોકાણોમાં મુન્દ્રામાં કન્ટેનર ટર્મિનલ, અમદાવાદ અને હજીરામાં રેલ સાથે જોડાયેલા ખાનગી ફ્રેટ ટર્મિનલનો સમાવેશ થાય છે.

 

LEAVE A REPLY

17 + thirteen =