(Photo by Ishara S.KODIKARA/AFP via Getty Images)

આમ આદમી પાર્ટીએ પંજાબથી રાજ્યસભાના ઉમેદવારોની રવિવાર (21 માર્ચે) જાહેરાત કરી હતી. જેમાં પૂર્વ ક્રિકેટર હરભજન સિંહ, પંજાબના સહપ્રભારી રાઘવ ચઢ્ઢા, આઈઆઈટી દિલ્હીના પ્રોફેસર ડૉ. સંદીપ પાઠક છે. જ્યારે ચોથું નામ અશોક મિત્તલનું છે, જે લવલી પ્રોફેશનલ યુનિવર્સિટીના સ્થાપક છે. જ્યારે આમ આદમી પાર્ટી તરફથી પંજાબમાંથી પાંચમા રાજ્યસભાના ઉમેદવાર સંજીવ અરોરા છે, જેઓ મોટા ઉદ્યોગપતિ છે.

પંજાબના 7 રાજ્યસભા સભ્યોમાંથી 5નો કાર્યકાળ 9 એપ્રિલે સમાપ્ત થઈ રહ્યો છે. પંજાબમાં 31 માર્ચે રાજ્યસભાની ચૂંટણી નિર્ધારિત છે. આવામાં આમ આદમી પાર્ટી દ્વારા પંજાબથી રાજ્યસભાના ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી છે.

આમ આદમી પાર્ટી દ્વારા પંજાબથી રાજ્યસભાના ઉમેદવારોમાં પૂર્વ ક્રિકેટર હરભજન સિંહનું નામ સૌથી પહેલું છે. તેણે ભારત માટે ઘણી આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. હાલમાં જ હરભજન સિંહે ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈને રાજકારણમાં આવવાનું મન બનાવી લીધું છે. જ્યારે ડૉ.સંદીપ પાઠક અરવિંદ કેજરીવાલ અને ભગવંત માનની નજીક છે. પંજાબમાં આમ આદમી પાર્ટીની જીતનો શ્રેય પણ સંદીપ પાઠકને આપવામાં આવી રહ્યો છે.