ક્વોડ દેશોના વિદેશ પ્રધાનોની શુક્રવારે મેલબોર્નમાં બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં અમેરિકાના વિદેશ પ્રધાન એન્ટની બ્લિકન (ડાજુ બાજુથી) ઓસ્ટ્રેલિયાના વિદેશ પ્રધાન એમ પેની, ભારતના વિદેશ પ્રધાન એસ જયશંકર અને જાપાનના વડાપ્રધાન યોશિમાસા હયાશીએ હાજરી આપી હતી. (ANI Photo)

ચીનના વિસ્તારવાદી વલણ પછી છેલ્લા કેટલાક સમયમાં અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને જાપાનનું ક્વાડ નામનું ગ્રૂપ બન્યું છે. તાજેતરમાં મેલબર્નમાં ઇન્ડો-પેસિફિક ક્ષેત્રમાં ચીનના વધતા પ્રભાવ સહિતના મુદ્દે ચર્ચા માટે ક્વોડની બેઠક મળી હતી ત્યારે હવે વ્હાઇટ હાઉસે ભારતને ક્વાડનું મહત્વનું ચાલક બળ અને પ્રાદેશિક વૃદ્ધિનું એન્જિન ગણાવ્યું છે.

વ્હાઇટ હાઉસના પ્રિન્સિપાલ ડેપ્યુટી પ્રેસ સેક્રેટરી કેરિન જોન-પિયરે જણાવ્યું હતું કે, “ભારત સમાન વિચારો ધરાવતું ભાગીદાર છે. તે દક્ષિણ એશિયા અને હિંદ મહાસાગરમાં લીડર છે. ઉપરાંત, તે ક્વોડનું ચાલકબળ તેમજ પ્રાદેશિક વૃદ્ધિ અને વિકાસનું એન્જિન છે.” ઉલ્લેખનીય છે કે, ક્વોડ ભારત, અમેરિકા, જાપાન અને ઓસ્ટ્રેલિયાનું સંગઠન છે. ગયા સપ્તાહે ક્વોડના વિદેશ પ્રધાનોએ ઇન્ડો-પેસિફિક ક્ષેત્રને અતિક્રમણ કે જબરજસ્તીમાંથી મુક્ત રાખવાનો સંકલ્પ કર્યો હતો. ‘ક્વોડ’ના વિદેશ મંત્રીઓની બેઠકમાં બળજબરીપૂર્વકની આર્થિક નીતિ અને સરહદ પારના આતંકવાદનો વિરોધ કરાયો હતો. બેઠકમાં સરહદ પારના આતંકવાદને અટકાવવા તેમજ અફઘાનિસ્તાનની જમીનને અન્ય દેશમાં આતંકવાદ માટે ઉપયોગમાં નહીં લેવાનો નિર્ધાર પણ વ્યક્ત કરાયો હતો. બેઠકમાં યુક્રેન સંકટ અંગે પણ ચર્ચા થઈ હતી. અમેરિકન વિદેશ મંત્રી એન્ટની બ્લિકન અને ભારતના વિદેશ પ્રધાન એસ જયશંકર પણ ક્વોડની બેઠકનો ભાગ હતા.