બિઝનેસમેન રાજ કુન્દ્રા અભિનેત્રી પત્ની શિલ્પા શેટ્રી સાથે. (ANI Photo)

કેન્દ્રીય તપાસ એજન્સી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે ફિલ્મ અભિનેત્રી શિલ્પા શેટ્ટીના બિઝનેસમેન પતિ રાજ કુંદ્રા અને અન્ય લોકો સામે મની લોન્ડરિંગનો કેસ નોંધ્યો છે. તમામને ટૂંકસમયમાં પૂછપરછ માટે સમન પાઠવવામાં આવશે. રાજ કુંદ્રા અન્ય સાથે મળી કથિત રીતે પોર્નોગ્રાફિક એપ્સ ચલાવતો હોવાની મુંબઈ પોલીસની ફરિયાદના આધારે કેસ નોંધવામાં આવ્યો છે. ED રાજ કુંદ્રા અને અન્ય આરોપીઓના નાણાકીય વ્યવહારોની તપાસ કરી રહ્યું છે, જેમાં વિદેશમાં રહેતા લોકોનો પણ સમાવેશ થાય છે.

EDના સૂત્રોએ જણાવ્યું હતું કે, એકત્રિત માહિતીની તપાસ કર્યા બાદ ગયા અઠવાડિયે કેસ નોંધવામાં આવ્યો હતો અને થોડા દિવસ બાદ કેસ સાથે જોડાયેલા લોકોને ED સમન પાઠવશે. અગાઉ, EDએ રાજ કુંદ્રા અને અન્ય સામે મુંબઈ પોલીસ પાસેથી ફરિયાદની કોપી કલેક્ટ કરી હતી અને આરોપીઓ સામે થયેલી ચાર્જશીટની કોપી પણ માગી હતી. પોલીસે તેમને ચાર્જશીટ સોંપી છે.