જાણીતા બિઝનેસમેન અને અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રાએ પોતાની ધરપકડ મામલે કરેલી અરજી કોર્ટે શનિવારે ફગાવી છે. રાજ કુંદ્રાએ મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા પોતાની ધરપકડને કોર્ટમાં પડકારી હતી.
બોમ્બે હાઈકોર્ટમાં પોતાની અરજીમાં રાજ કુંદ્રાએ કહ્યું હતું કે મુંબઈ પોલીસે તેમને CrPCની સેક્શન 41A હેઠળ સમન્સ આપ્યું નથી. સમન્સ વિના જ તેમની ધરપકડ થઇ હતી. રાજ કુંદ્રાની આ અરજીને હાઈકોર્ટે ફગાવી છે. 19 જુલાઈએ વિયાન ઈન્ડસ્ટ્રીઝના ઓફિસમાં શોધખોળ બાદ પોલીસે સીઆરપીસીની કલમ 41A હેઠળ રાજને સમન્સ પાઠવ્યું હતું, જેને રાજ કુંદ્રાએ સ્વીકાર કરવા અને તેની પર સહિ કરવાનો ઇન્કાર કર્યો હતો. જે બાદ પોલીસે રાજની ધરપકડ કરી લીધી હતી.
રાજ કુંદ્રાની પોર્નોગ્રાફી રેકેટ કેસમાં પોલીસે ધરપકડ કરી છે. રાજ કુંદ્રાને જામીન મળ્યા નથી. અત્યારે કુંદ્રા જ્યુડિશિયલ કસ્ટડીમાં છે. રાજ કુંદ્રા પર પોર્નોગ્રાફીના ગંભીર આરોપ છે. એક પીડિતાએ ફેબ્રુઆરીમાં તેની સામે પોર્નોગ્રાફીની ફરિયાદ નોંધાવી હતી. કુંદ્રા પર અશ્લીલ વીડિયો બનાવીને તેને પોતાની એપ પર શેર કરવાનો આરોપ છે.
વિવાદોમાં ઘેરાયેલા રાજ કુંદ્રા પર પૂનમ પાંડે, શર્લિન ચોપડાએ પણ ગંભીર આરોપ લગાવ્યા છે. રાજે પોલીસને કહ્યું છે કે તેઓ પોર્ન નહીં ઇરૉટિક મૂવી બનાવે છે.