ટોકિયો ઓલિમ્પિકમાં શનિવારે ભારતના કુશ્તીબાજ બજરંગ પૂનિયાએ ફ્રી સ્ટાઇલ કુસ્તીમાં 65 કિલોગ્રામ કેટેગરીમાં કઝાકિસ્તાનનાં દૌલત નિયાઝબેકોવને 8-0થી હરાવ્યો છે. આ સાથે ભારતને છઠ્ઠો મેડલ મળ્યો છે. બજરંગે ક્વાર્ટર ફાઈનલમાં જોરદાર શરુઆત કર્યા પછી સેમિ ફાઈનલમાં હારી ગયો હતો. પરંતુ બજરંગના પિતાને આશા હતી, તેમણે કહ્યું હતું કે પુત્ર આજ દિન સુધી ક્યારેય ખાલી હાથે પાછો ફર્યો નથી, તે ચોક્કસપણે બ્રોન્ઝ લાવશે. એક મહિના પહેલા તેને ઘૂટણમાં ઈજા થઈ હતી, તેમ છતાં તે સેમિફાઇનલમાં પહોંચ્યો હતો.
બીજી તરફ સવારે વિમેન્સ ગોલ્ફમાં ભારતની અદિતિ અશોક ચોથા સ્થાને રહી હતી, તે અંતિમ રાઉન્ડમાં નજીવા અંતરથી મેડલ ચૂકી હતી, જોકે, તેણે એક ઉમદા રમતનું પ્રદર્શન કર્યું હતું. વિમેન્સ ગોલ્ફ ઈવેન્ટમાં અમેરિકાની નૈલી કોર્દા પ્રથમ ક્રમે રહીને ગોલ્ડ જીત્યો હતો.
આ ઓલિમ્પિકમાં મેડલ જીતવાના મામલે ચીને પ્રથમ સ્થાને છે, અમેરિકા બીજા અને જાપાન ત્રીજા સ્થાન પર છે.