મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના વડા રાજ ઠાકરે. (ANI Photo)

મહારાષ્ટ્ર નવ નિર્માણ સેનાના વડા રાજ ઠાકરેએ 3 મે સુધી મસ્જિદોમાંથી લાઉડ સ્પીકર દૂર કરવાનું રાજ્ય સરકારને અલ્ટીમેટમ આપ્યું છે. તેમણે ચેતવણી આપી છે કે અઝાન વગાડતા લાઉડસ્પીકર દૂર કરવામાં નહીં આવે તો લાઉડ સ્પીકરમાં હનુમાનચાલીસાના પાઠ કરવામાં આવશે. ઠાકરેએ અગાઉ પણ મસ્જિદો પરથી લાઉડસ્પીકર હટાવવાની માગણી કરી હતી.

એમએનએસના વડાએ એક દિવસ પહેલા દેશમાં યુનિફોર્મ સિવિલ કોડ અને વસતિ નિયંત્રણો માટેની માગણી પણ કરી હતી. થાણેમાં એક સભાને સંબોધન કરતાં ઠાકરેએ જણાવ્યું હતું કે “જો શિવસેનાની આગેવાની હેઠળની રાજ્ય સરકાર 3મેથી મસ્જિદો પરથી લાઉડસ્પીકર દૂર નહીં કરાવે તો અમે સ્પીકર્સ પર હનુમાનચાલીસાના પાઠ કરીશું. આ ધાર્મિક નહીં, પરંતુ સામાજિક મુદ્દો છે. હું રાજ્ય સરકારને કહેવા માગું છું કે અમે આ મુદ્દાને ફરી ઉઠાવીશું. તમારાથી થાય તે કરી લેજો.” ઠાકરેએ અગાઉ બે એપ્રિલે હનુમાન ચાલીસાના પાઠ કરવાની સૌ પ્રથમ વખત ધમકી આપી હતી.

આ હિન્દુવાદી નેતાએ જણાવ્યું હતું કે હું પ્રાર્થનાની વિરુદ્ધમાં નથી. તમે તમારા ઘરમાં પ્રાર્થના કરી શકો છો, પરંતુ સરકારે મસ્જિદોના લાઉડસ્પીકર દૂર કરવા માટે નિર્ણય કરવો જોઇએ. હું હવે વોર્નિંગ આપીશું.. લાઉડસ્પીકર દૂર કરો અથવા અમે મસ્જિદોની સામે લાઉડસ્પીકર્સ મૂકીને હનુમાન ચાલીસાના પાઠ કરીશું.ગયા સપ્તાહે મહારાષ્ટ્ર ભાજપના કાર્યકરે હનુમાન ચાલીસના પાઠ કરવા માટે મંદિરોમાં લાઉડસ્પીકર લગાવવા માટે નાણાકીય સહાય આપવાની જાહેરાત કરી હતી.