‘સ્વાદુપિંડનું ટર્મિનલ કેન્સર છે અને હવે જીવનનું એક જ વર્ષ બાકી રહ્યું છે તેવું જૂઠું બોલીને  42 વર્ષના એક બેંકર રાજેશ ઘેડિયાએ ડૉક્ટરના નકલી પત્રો અને દસ્તાવેજો રજૂ કરી £1.2 મિલિયનનું વીમા કૌભાંડ આચર્યું હોવાનો આરોપ મૂકાયો છે. આરોપ પછી તેની ધરપકડ કરવામાં આવી હતી.

બર્કશાયરના મેઇડનહેડના રાજેશ ઘેડિયા સામે છેતરપિંડીના છ કાઉન્ટ અને છેતરપિંડીમાં ઉપયોગ માટે દસ્તાવેજ બનાવવાના ચાર કાઉન્ટનો સમાવેશ થાય છે.

આરોપ મુજબ ઓક્ટોબર 2020 અને મે 2021 વચ્ચે લંડન સ્થિત બેંક ઓફ અમેરિકામાં પ્રોજેક્ટ લીડર તરીકે નોકરી ગુમાવ્યા બાદ રાજેશ ઘેડિયાએ લંડન ક્લિનિકના કન્સલ્ટન્ટ ઓન્કોલોજિસ્ટ ડૉ. નિક મૈસીના બનાવટી દસ્તાવેજો બનાવ્યા હતા.

સધર્ક ક્રાઉન કોર્ટના જજ માર્ટિન ગ્રિફિથે 25 ફેબ્રુઆરીના રોજ કોર્ટમાં હાજર રહેવાની શરતે તેને કસ્ટડીમાં રિમાન્ડ આપ્યા હતા.

2017 અને 2020 ની વચ્ચે છેતરપિંડીના 22 કાઉન્ટના આરોપમાં ગયા વર્ષે તે જ કોર્ટમાં હાજર થયા પછી ઘેડિયાને અગાઉ જામીન આપવામાં આવ્યા હતા.

તેણે કથિત રીતે કંપનીમાં તેમના હોદ્દા વિશે પણ કપટપૂર્ણ દાવા કર્યા હતા, જેમાં તેણે પોતે વાઇસ પ્રેસિડેન્ટ હોવાનુ જણાવ્યુ હતું. જેથી લોકોને બેંક અને ગોલ્ડમેન સૅક સાથે અસ્તિત્વમાં ન હોય તેવી ફાઇનાન્સીયલ પ્રોડક્ટ્સમાં રોકાણ કરવા સમજાવી શકાય. કથિત પીડિતોએ ટૂંકા ગાળામાં તેમના નાણા બમણા અથવા ત્રણ ગણા કરી શકાશે તેવું જાણ્યા પછી કુલ £600,000 ગુમાવ્યા હોવાનું કહેવાય છે.

ઘેડિયાએ હજુ સુધી કોઈપણ આરોપો માટે પ્લી દાખલ કરી નથી અને આવતા વર્ષે ફેબ્રુઆરીમાં આઠ સપ્તાહની કામચલાઉ ટ્રાયલ નક્કી કરવામાં આવી છે.