ભારતના સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહને ગુરુવાર (14 એપ્રિલ)એ અમેરિકાના હવાઈ ખાતે યુનાઇટેડ સ્ટેટ ઇન્ડો પેસિફિક કમાન્ડર (USINDOPACOM) જોન ક્રિષ્ટોફર એક્વિલિનો સાથે USINDOPACOMના હેડક્વાર્ટર સાથે ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. (ANI Photo/ RMO India Twitter)

ઇન્ડિયન અમેરિકન કમ્યુનિટીને સંબોધતા સંરક્ષણ પ્રધાનનો ચીનને કડક સંદેશ

ચીનને કડક સંદેશ આપતા કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે શુક્રવારે જણાવ્યું હતું કે જો કોઇ ભારતને છંછેડશે તો ભારત કોઇને છોડશે નહીં. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વડપણ હેઠળ ભાજપ એક શક્તિશાળી દેશ તરીકે ઊભર્યો છે અને વિશ્વના ટોચના ત્રણ અર્થતંત્રોમાં સ્થાન મેળવવા માટે આગળ વધી રહ્યો છે.

સાન ફ્રાન્સિસ્કોમાં ઇન્ડિયન અમેરિકન કમ્યુનિટીને સંબોધન કરતાં અમેરિકાને પણ સ્પષ્ટ સંકેત આપ્યો હતો કે નવી દિલ્હી એકને નુકસાન પહોંચાડીને બીજાને લાભ આપવાની કુટનીતિમાં માન્યતા ધરાવતું નથી અને એક દેશ સાથેના તેના સંબંધો બીજા દેશના ભોગે હોઇ શકે નહીં.

સંરક્ષણ પ્રધાન ભારત-અમેરિકા વચ્ચેની 2+2 પ્રધાનસ્તરીય બેઠકમાં હાજરી આપવા માટે વોશિંગ્ટનમાં આવ્યા બાદ સાન ફ્રાન્સિસ્કો આવ્યા હતા.

સાન ફ્રાન્સિસ્કોમાં ભારતીય દૂતાવાસે યોજેલા સત્કાર સમારંભમાં રાજનાથે જણાવ્યું હતું કે હું જાહેરમાં ન કહી શકું કે ભારતના  સૈનિકોએ શું કર્યું હતું અને અમે (સરકાર) શું નિર્ણય કર્યો હતો. પરંતુ હું એ ખાતરીપૂર્વક કહી શકું છું કે ચીનને સ્પષ્ટ સંદેશ મળ્યો છે કે ભારત કોઇને પણ છોડશે નહીં.

પેન્ગોંગ સરોવર પર ભારત અને ચીનના સૈનિકોની હિંસક અથડામણને પગલે 5 મે 2020ના રોજ લડાખ બોર્ડર પર ભારત અને ચીનના સૈનિકો આમને સામને આવી ગયા હતા. 15 જૂન 2020ના રોજ ગલવાન વેલી સંઘર્ષ બાદ તંગદિલીમાં વધારો થયો હતો. આ સંઘર્ષમાં ભારતના 20 સૈનિકો શહીદ થયા હતા, પરંતુ ચીનને તેના સૈનિકોના મોતનો આંકડો જાહેર કર્યો ન હતો.