નવી દિલ્હીના વિજ્ઞાનભવન ખાતે સોમવાર, 25 ઓક્ટોબરે 67માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર એનાયત સમારોહ દરમિયાન સુપરસ્ટાર રજનીકાંતને 2019 માટે ફિલ્મ જગતના સર્વોચ્ય 51માં દાદાસાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. . (ANI Photo)

નવી દિલ્હીના વિજ્ઞાનભવન ખાતે સોમવાર, 25 ઓક્ટોબરે 67માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર એનાયત સમારોહ દરમિયાન સુપરસ્ટાર રજનીકાંતને 2019 માટે ફિલ્મ જગતના સર્વોચ્ય 51માં દાદાસાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં ભારતના ઉપરાષ્ટ્રપતિ એમ. વેંકૈયા નાયડુએ વિજેતાઓને એવોર્ડ એનાયત કરીને સન્માનિત કર્યા છે. કંગના રનૌત, સુશાંત સિંહ રાજપૂત, મનોજ બાજપેયી, ધનુષ જેવા સ્ટાર્સને એવોર્ડ આપવામાં આવ્યા છે. 67માં નેશનલ ફિલ્મ એવોર્ડની જાહેરાત આ વર્ષના પ્રારંભમાં કરવામાં આવી હતી.

ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુ દ્વારા પ્રસ્તુત કાર્યક્રમમાં કંગના રનૌતને તેની ફિલ્મ્સ મણિકર્ણિકા: ધ ક્વીન ઓફ ઝાંસી (2019) અને પંગા (2020) માટે શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ મળ્યો છે. મનોજ બાજપેયી અને ધનુષને ક્રમશ હિંદી ફિલ્મ ભોંસલે અને તમિલ ફિલ્મ અસુરન માટે સંયુક્ત રીતે શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ આપવામાં આવ્યો છે. નિતેશ તિવારી દ્વારા નિર્દેશિત સુશાંત સિંહ રાજપૂતની છેલ્લી થિયેટર રિલીઝ છિછોરેને શ્રેષ્ઠ હિંદી ફિલ્મનો એવોર્ડ આપવામાં આવ્યો છે.
દાદાસાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત થયા બાદ રજનીકાંતે આ માટે ભારત સરકારનો આભાર માન્યો હતો. તેમણે કહ્યું કે, મને આ એવોર્ડ એનાયત કરવા બદલ હું ભારત સરકારનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. હું આ એવોર્ડ મારા ગુરુ કે. બાલચંદર, મારા ભાઈ સત્યનારાયણ રાવ અને મારા ટ્રાન્સપોર્ટ ડ્રાઈવર મિત્ર રાજ બહાદુરને સમર્પિત કરું છું.
કંગનાને ચોથી વખત આ એવોર્ડ માટે પસંદ કરવામાં આવી છે. તસવીર શેર કરતાં કંગનાએ લખ્યું કે, તે આજે તેની બે ફિલ્મો મણિકર્ણિકા અને પંગા માટે નેશનલ એવોર્ડ મેળવવા માટે જઇ રહી છે. આ ફોટોમાં તે ટ્રેડિશનલ સાડીમાં જોવા મળી રહી છે. તેણે ક્રીમ કલર અને લાલ બોર્ડરવાળી સાડી પહેરી હતી.