Ballot Box assembly elections in Gujarat
પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

ચૂંટણીપંચે છ રાજ્યોમાં રાજ્યસભાની ખાલી પડેલી સાત બેઠકોની પેટાચૂંટણીની તારીખની ગુરુવારે જાહેરાત કરી હતી. આ બેઠકો માટે ચાર ઓક્ટોબરે ચૂંટણી થશે. આ બેઠકો સભ્યના રાજીનામા, મૃત્યુ કે મુદત પૂરી થવાને કારણે ખાલી પડેલી છે.

ચૂંટણીપંચના જાહેરનામા મુજબ તમિલનાડુની બે બેઠકો તથા પશ્ચિમ બંગાળ, મહારાષ્ટ્ર, પુડુચેરી અને મધ્યપ્રદેશ પ્રત્યેકની એક-એક બેઠક માટે પેટાચૂંટણી યોજાશે.

ભાજપના નેતા અને ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન થાવરચંદ ગેહલોતને જુલાઈમાં કર્ણાટકના રાજ્યપાલ બનાવવામાં આવ્યા હોવાથી મધ્યપ્રદેશમાં રાજ્યસભાની બેઠક ખાલી પડી હતી.

AIADMKના નેતાઓ કે પી મુનુસામી અને આર વૈથિલિંગમ તમિલનાડુ વિધાનસભાના સભ્ય બન્યા હોવાથી તેમણે રાજ્યસભાના સભ્ય તરીકે રાજીનામું આપ્યું હતું અને તેમની બેઠકો ખાલી પડી હતી.

ટીએમસીના નેતા અને પશ્ચિમ બંગાળના કેબિનેટ પ્રધાન માનસ રંજન ભૂનિયાના રાજીનામાને પગલે પશ્ચિમ બંગાળની રાજ્યસભા બેઠક ખાલી પડી હતી.આસામમાં વિધાનસભાના સ્પીકર બિસ્વજિત દાઇમેરીએ સંસદના ઉપલા ગૃહમાંથી રાજીનામું આપ્યું હતું. તેઓ બોડોલેન્ડ પીપલ્સ ફ્રન્ટ છોડીને ભાજપમાં જોડાયા હતા. ભાજપ આસામની બેઠક માટે કેન્દ્રીય પ્રધાન સર્બાનંદ સોનોવાલાને ઉમેદવાર બનાવે તેવી શક્યતા છે.

કોંગ્રેસના નેતા રાજીવ સાતવનું આ વર્ષના મે મહિનામાં નિધન થતાં તેમની બેઠક ખાલી પડી હતી.પુડુચેરીમાં એન ગોકુલક્રિષ્નની મુદત 6 ઓક્ટોબરે પૂરી થતાં તેમની રાજસભાની બેઠક ખાલી પડી હતી. ચૂંટણીપંચે જણાવ્યું હતું કે ચૂંટણીની પ્રક્રિયા દરમિયાન કોરોનાની ગાઇડલાઇનનું પાલન કરવાનું રહેશે.