(ANI Photo)

અયોધ્યામાં શ્રી રામ મંદિરના નિર્માણ બાદ રણબીર કપૂરની ‘રામાયણ’ની તૈયારી પૂરજોશમાં શરૂ થઈ ગઈ છે. ફિલ્મમાં સતત નવા કલાકારો જોડાઈ રહ્યાં છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણ લંકાપતિ રાવણની બહેન શૂર્પણખાના રોલ માટે રકુલ પ્રીત સિંહની પસંદગી કરવામાં આવી હતી. 21 ફેબ્રુઆરીએ રકુલના જેકી ભગનાની સાથે ગોવામાં લગ્ન થયા પછી તે ફિલ્મના શૂટિંગમાં જોડાશે. નિતેશ તિવારીના દિગ્દર્શનમાં બની રહેલી ‘રામાયણ’ લાંબા સમયથી ચર્ચામાં છે.

આ ફિલ્મમાં રણબીર કપૂર ભગવાન રામનો રોલ કરવાના છે અને સીતા માતાના રોલમાં સાઈ પલ્લવી ફાઈનલ કહેવાય છે. જ્યારે રાવણના રોલમા કેજીએફ ફેમ યશ છે. હનુમાનજીના રોલમાં સની દેઓલ ફાઈનલ છે, જ્યારે બોબી દેઓલને કુંભકર્ણનો રોલ અપાયો છે. ‘રામાયણ’ની મલ્ટિસ્ટાર કાસ્ટને જોતાં આ ફિલ્મમાં 300 કરોડથી વધુનો ખર્ચ નિશ્ચિત મનાય છે.

રામાયણમાં શૂર્પણખાનું પાત્ર ખૂબ મહત્ત્વનું છે. શ્રી રામના વનવાસ દરમિયાન શૂર્પણખાએ લક્ષ્મણજીને જોયા હતા. લક્ષ્મણજીના મોહમાં ભાન ભૂલી ગયેલી શૂર્પણખાએ તેમની સાથે લગ્નની જિદ પકડી હતી. લક્ષ્મણજીએ શૂર્પણખાનું નાક વાઢી નાખ્યું હતું અને શૂર્પણખા રડતી-રડતી પોતાના ભાઈ લંકાપતિ રાવણ પાસે પહોંચી હતી. લાડકી બહેનની આ દશા જોઈ રાવણને ભગવાન રામ, સીતા માતા અને લક્ષ્મણજી પર ગુસ્સો આવ્યો હતો અને ત્યારબાદ આખી ‘રામાયણ’ સર્જાઈ હતી.

આમ, શૂર્પણખાના રોલ માટે કોઈ દમદાર એક્ટ્રેસ જરૂરી છે. આ રોલ માટે મેકર્સની નજર રકુલપ્રીત પર ઠરી છે અને રકુલ સાથે વાતચીત શરૂ થઈ ગઈ છે. લગ્નની તૈયારીઓ શરૂ થતાં પહેલા રકુલે ફિલ્મ માટે લૂક ટેસ્ટ આપી દીધો છે. રકુલ અને ‘રામાયણ’ની ટીમની મુલાકાતો સફળ રહી છે અને આ અંગે ઓફિશિયલ એનાઉન્સમેન્ટ થઈ શકે છે.

નીતેશ તિવારીના ડાયરેક્શનમાં માર્ચ 2024થી ‘રામાયણ’નું શૂટિંગ શરૂ થવાનું છે. તેની શરૂઆત રણબીર કપૂર અને સાઈ પલ્લવીથી થશે. ત્યારબાદ અયોધ્યા નગરીના દૃશ્યો માટે રાજા દશરથ અને તેમનો પરિવાર દર્શાવવાનો છે. રાજા દશરથના રોલમાં કોણ છે તે હજુ જાહેર થયું નથી, પરંતુ કૈકેયીના રોલ માટે લારા દત્તાને ફાઈનલ કરવામાં આવી છે. મે મહિનાથી સની દેઓલ ભગવાન હનુમાનજીના રોલનું શૂટિંગ શરૂ કરશે. જુલાઈમાં રાવણના રોલનું શૂટિંગ શરૂ કરશે. 2025ની દિવાળી પર ફિલ્મને રિલીઝ કરવાનો પ્લાન છે. આ ફિલ્મને ત્રણ ભાગમાં બનાવવાનો પ્લાન છે.

LEAVE A REPLY

5 × four =