એક સમયે ટીવી દર્શકોમાં રામ કપૂરનું નામ ખૂબ જ જાણીતું હતું. વિશેષમાં તો સાક્ષી તંવર સાથેની સિરીયલ ‘બડે અચ્છે લગતેં હેં’ અને ‘કસમ સે’ને કારણે તેઓ ખૂબ જ લોકપ્રિય બની ગયા હતા. હવે રામ કપૂર મોટાભાગે ફિલ્મો અને ડિજિટલ પ્લેટફોર્મમાં વિવિધ પ્રકારની ભૂમિકા ભજવે છે. તાજેતરમાં એક ઇન્ટરવ્યુમાં તેમણે ટીવી પર પરત આવવાના આયોજન અને ઓટીટી પ્રોજેક્ટ વિશે વાત કરી હતી.
ટીવી શોમાં ફરીથી કામ કરવાના આયોજન વિશે રામ કપૂરે જણાવ્યું, “હાલ, તો કોઈ જ પ્લાન નથી. કારણ કે તમે નસીબદાર હોય, જેમ કે હું હતો, તો જ તમે એવા સફળ ટીવી શો કરી શકો જે દરેક શો લગભગ ત્રણ કે ચાર વર્ષ ચાલે. અને જો તમારે ટીવી પર આવો સફળ શો કરવો હોય તો તમારે ત્રણથી ચાર વર્ષ સુધી એક જ પાત્ર ભજવતા રહેવું પડે. પરંતુ હાલ, મને ફિલ્મ્સ અને ઓટીટી પર એક સારા અને મજબૂત કલાકાર તરીકે સ્વીકૃતિ મળી ગઈ છે, તેથી મને દર વર્ષે ઘણા અલગ પ્રકારના રોલ કરવા મળે છે. મને બધાં એવા પ્રોજેક્ટ મળે છે જે એકબીજાથી ઘણા અલગ છે. તેથી હાલ મને વર્ષો સુધી એકના એક રોલ કરવાનું અઘરું લાગે છે, તેની હું કલ્પના પણ કરી શકું તેમ નથી. હું જે કરું છું તેમાં મને બહુ મજા આવે છે.”
રામ કપૂર અત્યાર સુધીમાં ‘કાર્તિક કૉલિંગ કાર્તિક’, ‘એજન્ટ વિનોદ’, ‘સ્ટુડન્ટ ઓફ ધ યર’ અને ‘ઉડાન’ જેવી ફિલ્મોમાં જોવા મળ્યા હતા. હવે તે એક્શન ફિલ્મ ‘યુધરા’માં જોવા મળશે. જેમાં સિદ્ધાંત ચતુર્વેદી ઉપરાંત માલવિકા મોહનન અને રાઘવ જુયાલ પણ મહત્વની ભૂમિકામાં છે.