અયોધ્યામાં ભવ્ય રામમંદિરના નિર્માણ માટે રચવામાં આવેલા ટ્રસ્ટે શુક્રવારે રામમંદિર માટે દેશભરમાં ડોનેશન અભિયાનનો પ્રારંભ કર્યો હતો. ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે રૂ.5,00,100નું દાન કર્યું હતું. આ અભિયાનમાં વિવિધ રાજકીય નેતાઓ પણ સામેલ થયા હતા. ડોનેશન અભિયાન 27 ફેબ્રુઆરી સુધી ચાલુ રહેશે.

શ્રી રામજન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ વતી તેના કો-પ્રેસિડન્ટ ગોવિંદ દેવ ગિરિજી મહારાજ શુક્રવારે રાષ્ટ્રપતિ કોવિંદને મળ્યા હતા. તેમની સાથે વિશ્વ હિન્દુ પરિષદના પ્રેસિડન્ટ આલોક કુમાર, મંદિર બાંધકામ સમિતિના વડા નૃપેન્દ્ર મિશ્રા અને આરએસએસના નેતા કુલભુષણ આહુજા હતા.

વીએચપીના કુમારે જણાવ્યું હતું કે તેઓ દેશના ફર્સ્ટ સિટિઝન છે, તેથી અમે આ અભિયાન ચાલુ કરવા તેમની પાસે ગયા હતા. તેમણે રૂ. 5,00,100નું દાન આપ્યું છે.

મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન શિવરાજ સિંહ ચૌહાણે રૂ.1 લાખનો ચેક આપ્યો હતો. પટણામાં સમર્પણ નીધિ સંગ્રહ અભિયાનનો પ્રારંભ કરતાં ભાજપના નેતા સુશીલ કુમાર મોદીએ જણાવ્યું હતું કે મને આશા છે કે બિહારનો દરેક હિન્દુ પરિવાર ભવ્ય મંદિરના નિર્માણ માટે દાન આપશે.

ભવ્ય રામમંદિરના નિર્માણ માટે વિવિધ સંગઠનો રૂ.10, રૂ.100 અથવા રૂ.1000નું દાન માગશે. ટ્રસ્ટે સરકારી સહાય, વિદેશમાંથી સહાય કે કોર્પોરેટ ડોનેશન ન લેવાનો નિર્ણય કર્યો છે. રામ મંદિર માટે દાન અભિયાન હેઠળ 5 લાખથી વધુ ગામમાં 12 કરોડથી વધુ પરિવારોનો સંપર્ક કરવામાં આવશે. ગામના લોકો પાસેથી દાન માંગવામાં આવશેઓગસ્ટ 2020માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અયોધ્યામાં રામમંદિરના નિર્માણ માટે શિલાન્યાસ કર્યો હતો.