કહેવાય છે ને કે સંગ્રહ કરેલો સાપ પણ કામમાં લાગે છે. આ ઉક્તિ જૂન મહિનામાં નોટિંગહામમાં 64 વર્ષની વયે હાર્ટ એટેકથી મૃત્યુ પામેલા યુનિવર્સિટીના ભૂતપૂર્વ લેક્ચરર રમન શુક્લને પણ લાગુ પડે છે. તેમણે નિવૃત્તિમાં કામ લાગે એ આશયે સંગ્રહખોરી શરૂ કરી હતી જેના હરાજીમાં £160,000 ઉપજ્યા છે.

રમન શુક્લાએ તેના એક બેડરૂમના ફ્લેટમાં અને તેની માતાના ટેરેસ હાઉસમાં 60,000 વસ્તુઓ સ્ટોર કરી હતી. તેઓ પરણિત હતા અને તેઓ જ્યાં કામ કરતા હતા તે ચેરિટી શોપના સાથી કર્મચારીઓ અને પરિવારથી આ સંગ્રહ ગુપ્ત રાખતા હતા. તેમની સંગ્રહખોરીનો સામાન વધી જતાં તેમને બેડ એન્ડ બ્રેકફાસ્ટ એકોમોડેશનમાં જવાની જરૂર પડી હતી.

તેમની સંગ્રહખોરીમાં બીટલ્સ મેમોરેબિલિયા હતા અને જહોન એફ કેનેડી, વિન્સ્ટન ચર્ચિલ અને એલ્વિસ પ્રેસ્લીને લગતા ફોટા અને હસ્તાક્ષર સાથેના પત્રો સામેલ હતા. તેણે 6,000 કોમિક્સ, 4,000 દુર્લભ પુસ્તકો, 3,000 રસાયણશાસ્ત્રના સેટ, કેમેરા અને લેન્સ અને 12 રિકનબેકર ગિટાર પણ ખરીદ્યા હતા. રહસ્ય એ છે કે ઇ બે પર ઑર્ડર કરેલી વસ્તુઓ તેમને ખરીદવાનું કઇ રીતે પરવડ્યું હતું.

તેમના કલેક્શનને ખાલી કરવા માટે ત્રણ વાન બોલાવવી પડી હતી અને આઠ માણસોએ છ અઠવાડિયામાં 180 કલાકનો સમય લીધો હતો. લિંકન સ્થિત યુનિક ઓક્શન્સના સ્ટાફના 18 સભ્યોએ પેકેજોને ખોલી તપાસ કરવામાં ચાર અઠવાડિયા ગાળ્યા હતા. આ સંગ્રહ ચાર દિવસમાં 2,021 લોટમાં વેચાયો હતો.

જ્યારે આઇટમ્સને પ્રથમ કેટેલોગ કરવામાં આવી ત્યારે તેની કિંમત £1 મિલીયનથી £4 મિલીયનની વચ્ચે અંદાજવામાં આવી હતી. પરંતુ જલદીથી મોટા જૂથોમાં વેચવાના કારણે મૂલ્ય ઘટ્યું હતું.