(ANI Photo/Alia Bhatt Instagram)

બોલીવુડનું એક્ટર રણબીર કપૂર અને આલિયા ભટ્ટ મુંબઈ ખાતેના નિવાસસ્થાને 14 એપ્રિલે લગ્નબંધનમાં બંધાયા હતા. વાસ્તુ એપાર્ટમેન્ટ સંકુલમાં કપૂર અને ભટ્ટ પરિવારના સભ્યો તથા કેટલાક નજીકનાં મિત્રોની હાજરીમાં બંને વિધિસર સપ્તપદીના ફેરા ફરીને એકમેકનાં બની ગયાં છે.

રણબીર કપૂરના પાલી હિલમાં આવેલા ઘર વાસ્તુ બિલ્ડિંગમાં રણબીર કપૂર અને આલિયા ભટ્ટના લગ્ન થયા હતા. બુધવારે મહેંદી સેરેમની બાદ ગુરુવારે પીઠી સેરેમની યોજાઈ હતી. આલિયા ભટ્ટના મમ્મી-પપ્પા, બહેનો અને ભાઈથી માંડીને રણબીરનાં મમ્મી નીતૂ કપૂર, બહેન રિદ્ધિમા કપૂર, ફોઈ રીમા જૈન, કરણ જોહર સહિતના પરિવારજનો અને મિત્રો લગ્નસ્થળે પહોંચ્યા હતા.

રણબીર અને આલિયાનો રોમાન્સ ચાર વર્ષ પહેલાં બ્રહ્માસ્ત્ર ફિલ્મના સેટ પર શરૂ થયો હતો. તે પછી વખતોવખત બંનેના લગ્નની વાતો ચર્ચાતી રહી હતી. રણબીરના દિવંગત પિતા રિશી કપૂર અને માતા નીતુએ પહેલેથી જ રણબીરની પસંદગી આલિયા પર મંજૂરીની મહોર મારી દીધી હતી. કમનસીબે આજનો દિવસ જોવા માટે રિશી કપૂર સદેહે ઉપસ્થિત ન હતા. જોકે,સમગ્ર કપૂર પરિવારના સભ્યોએ હાજરી પુરાવી નીતુ અને રિદ્ધિમાને રિશીની ખોટ સાલવા દીધી ન હતી.

પરિવારના સૌથી જયેષ્ઠ તરીકે રણધીર કપૂર અને બબીતા, તેમની દીકરીઓ કરિશ્મા અને કરીના, શમ્મી કપૂરનાં પત્ની નીલા દેવી, રીમા જૈન, આદર જૈન, રીતુ નંદા, નવ્યા નવેલી, સૌએ રંગેચંગે હાજરી આપી હતી. રણબીરના બંને ભાણેજ તૈમુર અને જેહ પણ ખાસ રજવાડી પોશાકમાં મામાના લગ્ન માણવા પહોંચી ગયા હતા.

ભટ્ટ પરિવારમાંથી મહેશ ભટ્ટ, સોની રાઝદાન, શાહીન ભટ્ટ, પૂજા ભટ્ટ તથા રાહુલ હાજર રહ્યાં હતાં. બોલીવુડમાં આલિયાને પુત્રી તરીકે માનતા બિગ ડેડી કરણ જોહર ઉપરાંત અયાન મુખરજી, લવ રંજન પણ ઉપસ્થિત હતા. અન્ય સેલિબ્રિટીઓ અને પારિવારિક મિત્રોમાં અમિતાભ બચ્ચન, અંબાણી પરિવારમાંથી શ્લોકા અને આકાશ અંબાણી તથા અન્ય મહાનુભવો આ પળનાં સાક્ષી બન્યાં હતાં.