(ANI Photo)
રણબીર કપૂરે બોલીવૂડમાં તેની છાપ એક ચોકલેટી અભિનેતા તરીકે ઊભી કરી છે. તે ફિલ્મોમાં હંમેશા નવા અવતારમાં જ જોવા મળે છે. આવી સ્થિતિમાં તે પોતાના કામ પર ખૂબ ધ્યાન પણ આપે છે. હવે એવી ચર્ચા છે કે, તે નિતેશ તિવારીની રામાયણ ફિલ્મમાં ભગવાન રામની ભૂમિકામાં જોવા મળશે. આ માટે તેણે માસાંહાર અને દારૂનું સેવન બંધ કરી દીધું હોવાની ચર્ચા છે.
મીડિયાના સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ‘આ પૌરાણિક વિષય પરની ફિલ્મનું શૂટિંગ થાય ત્યાં સુધીમાં રણબીર કપૂર તેના રોલ માટે ખૂબ જ મહેનત કરવાનો છે. પાત્રના રોલમાં આવવા માટે તે ઘણા ફેરફારો પણ કરી રહ્યો છે. સૌથી મોટી વાત એ છે કે, તે દારૂ અને માંસને અડશે પણ નહીં. આ કારણે તે મોડી રાતની પાર્ટીઓમાં જવાનું પણ ટાળશે. તે આવું માત્ર દેખાવ માટે નહીં પરંતુ પાત્રને માન આપવા માટે કરશે જેથી તે પોતાની જાતને તે ભૂમિકામાં સારી રીતે અનુકૂળ થઈ શકે અને જરૂરિયાત મુજબ ફેરફારો અનુભવી શકે.’
કહેવાય છે કે, રણબીર કપૂર અને સાઈ પલ્લવી ફેબ્રુઆરી 2024માં ફિલ્મનું શૂટિંગ શરૂ કરશે. ફિલ્મમાં રાવણની ભૂમિકા ભજવનાર યશ જુલાઈમાં કાસ્ટ સાથે જોડાશે. તે માત્ર 15 દિવસનું શૂટિંગ કરશે. તેની ભૂમિકા આ ભાગમાં વધુ નહીં હોય. ફિલ્મની વાર્તાનું સમાપન સીતાના અપહરણ સાથે થઈ શકે છે. ફિલ્મને ત્રણ ભાગમાં બનાવવામાં આવશે. જ્યાં કથાના કેન્દ્રમાં રામ અને સીતા હશે અને સીતાહરણ બતાવવામાં આવશે. ફિલ્મના VFX માટે ઓસ્કાર વિજેતા કંપની DNEGનો સંપર્ક કરવામાં આવ્યો છે.
રણબીર કપૂરના ચાહકો એ સમાચાર સાંભળીને ખુશ થયા છે કે, તે એક ફિલ્મ માટે આટલું મોટું બલિદાન આપવા તૈયાર છે. અત્રે ઉલ્લેખનીય છે કે, રણબીર કપૂરની નવી ફિલ્મ ‘એનિમલ’ છે, જેમાં તે અનિલ કપૂર, રશ્મિકા મંદાનાથી લઈને બોબી દેઓલ જેવા ફિલ્મકારો સાથે જોવા મળશે. ‘એનિમલ’ ફિલ્મ આ વર્ષે 1 ડિસેમ્બરે પ્રદર્શિત થશે.

LEAVE A REPLY

4 × four =